ટૂંક સમયમાં LRD ભરતીની જાહેરાત કરવામાં આવશે, દિવાળી પછી શારીરિક કસોટી

(એ.આર.એલ.)ગાંધીનગર,રાજ્યમાં અનેક ઉમેદવારે ખૂબ જ આતુરતાથી પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાતમાં ૧૦,૯૮૮ પોલીસની ભરતી માટે લોકરક્ષક દળ એટલે કે એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ પદે આઇપીએસ હસમુખ પટેલને નિયુક્ત કરવામા આવ્યા છે. જે બાદમાં એવો કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે ટૂંક સમયમાં ભરતીની જાહેરાત કરવામાં આવશે. આ માટે અનેક ઉમેદવારો સોશિયલ મીડિયા માધ્યમથી એલઆરડીની ભરતી ક્યારે આવશે તેવો સવાલ પૂછી રહ્યા છે. આ મામલે હવે ખુદ આઈપીએસ હસમુખ પટેલે ટ્‌વીટ કરીને આ ભરતી ટૂંક સમયમાં યોજાશે તેમ જણાવ્યું છે.આઈપીએસ હસમુખ પટેલે આજે (ચોથી ઓક્ટોબર) એક ટ્‌વીટ કરીને લખ્યું છે કે, “લોકરક્ષક ભરતીની જાહેરાત પૂર્વેની તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં જાહેરાત આપવામાં આવશે ત્યારે સૌને જાણ થાય તે માટે પૂરતી પ્રસિદ્ધિ આપવામાં આવશે. દિવાળી પછી નવેમ્બરમાં શારીરિક કસોટી શરૂ થવાની શક્યતા છે.”હસમુખ પટેલના ટ્‌વીટ બાદ અનેક ઉમેદવારો એલઆરડી ભરતીને લઈને તેમના ટ્‌વીટ પર કૉમેન્ટ કરી રહ્યા છે. જેમાં ભરતી પ્રક્રિયામાં અમુક સુધારા કરવાની તેમજ ૨૦૧૮-૧૯ની ભરતીને લઈને પણ વાતો લખવામાં આવી રહી છે. સૌથી વધારે સજેશન શારીરિક કસોટી બાદ આઠ ગણા ઉમેદવારોને પાસ કરવાના નિયમને લઈને આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં ૧૦,૯૮૮ પોલીસની ભરતી માટે લોકરક્ષક દળ એટલે કે એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ પદે  IPS હસમુખ પટેલને નિયુક્ત કરવામા આવ્યા છે. આ બોર્ડમાં કુલ પાંચ સભ્યો હશે.