(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,સ્પિન બોલર વરુણ ચક્રવર્તીની મુશ્કેલી વધી રહી છે. બીસીસીઆઇના ફિટનેસ ટેસ્ટમાં વરુણ ચક્રવર્તી બીજી વખત ફેલ થયો છે. આમ વરુણનું ઇંગ્લેન્ડ સામેની પાંચ ટી-૨૦ મેચની સીરિઝમાંથી બહાર થવાનું લગભગ નક્કી મનાય છે. બીજી બાજુ, ઝડપી બોલર ટી નટરાજન ઘૂંટણ અને ખભામાં ઇજાનો સામનો કરી રહ્યો છે. જેના કારણે તે લિમિટેડ ઓવર્સની સીરિઝ ગુમાવી શકે છે.આ પહેલાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે વરુણની પસંદગી કરાઇ હતી, પરંતુ ખભામાં ઇજાને કારણે તે ડેબ્યૂ ના કરી શક્યો. જ્યારે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલુ ટી-૨૦માં તેને ફરી ચાન્સ આપવામાં આવ્યો, પરંતુ તે ફિટનેસ ટેસ્ટ પાસ કરી શક્યો નહીં. બીસીસીઆઇના વરિષ્ઠ અધિકારીએ પીટીઆઇને જણાવ્યું કે, વરુણ યો યો ટેસ્ટની સાથે બે કિલોમીટરની દોડમાં પણ પાછળ રહ્યો હતો. આવામાં મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા સામે સવાલ થઇ રહ્યાં છે કે, તેમણે એવા ખેલાડીની પસંદગી કેમ કરી જેણે ગયા વર્ષે ઓક્ટોબરથી કોઇ મેચ રમી નથી. ભારતીય ટીમમાં સામેલ થવા માટે હવે માત્ર બોલિંગ અને બેટિંગ જ નહીં, પરંતુ ફિટનેસના માપદંડો પણ સાબિત કરવા જરૂરી છે. વરુણ ફિટનેસ ટેસ્સમાં ફેલ થતાં હવે તેની જગ્યાએ ટીમમાં રાહુલ ચહરને સામેલ કરી શકાય છે. ચહર પહેલાંથી જ ટીમ ઇન્ડિયા સાથે બાયો બબલમાં છે. તેને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં રિઝર્વ બોલર તરીકે સામેલ કરાયો હતો.