ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૧ની તારીખો જાહેર; મેચ ૧૭ ઓક્ટોબરથી યુએઇ-ઓમાનમાં શરૂ થશે

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,આઇસીસીની મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટમાની એક ગણાતી ટી૨૦ વર્લ્ડકપને લઇને હવે મોટા સમાચાર સામે આવ્યા છે. આઇસીસીએ પુરુષ ક્રિકેટ ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૧ની તારીખોની જાહેરાત કરી દીધી છે. પુરુષ ક્રિકેટનો મહાકુંભ ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૧ આગામી ૧૭ ઓક્ટોબરથી ૧૪ નવેમ્બર સુધી યુએઇ અને ઓમાનમાં આયોજિત કરવામાં આવશે, આ વર્લ્ડકપ પહેલા ભારતમાં રમાવવાનો હતો પરંતુ કોરોના મહામારીના કારણે બીસીસીઆઇએ વેન્યૂ શિફ્ટ કરીને યુએઇ અને ઓમાનમાં રમાડવાનો તખ્તો તૈયાર કર્યો હતો, જેને આઇસીસીએ માન્ય રાખીને ઇવેન્ટ પર મહોર મારી હતી. બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે આ વાતની પહેલાથી જ જાણકારી આપી દીધી હતી. ખાસ વાત છે કે આ આયોજનમાં ભારતીય ક્રિકેટ બોર્ડ -બીસીસીસીઆઇ યજમાન બનેલુ જ રહેશે.આ પહેલા સત્તાવાર રીતે ટી-૨૦ વર્લ્ડકપ દુબઈમાં ખસેડવામાં આવ્યો હોવાની જાહેરાત ખુદ બીસીસીઆઈ (BCCI Secretary) સેક્રેટરી જય શાહે (Jay Shah) કરી હતી, તેમણે કહ્યું હતુ કે, અમે આઈસીસીને જાણકારી આપીશું કે ટી-૨૦ ક્રિકેટ વર્લ્ડકપને યુએઈ શિફ્ટ કરી રહ્યા છીએ.આઇસીસી અનુસાર, ટી૨૦ વર્લ્ડકપની તમામ મેચોનુ આયોજન યુએઇ અને ઓમાનના ૪ સ્ટેડિયમમાં કરવામાં આવશે. આમાં દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, અબુધાબીનુ શેખ જાયેદ સ્ટેડિયમ, શારજહાં સ્ટેડિયમ અને ઓમાન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ સામેલ છે.તાજેતરમાં જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાની નજર ટી-૨૦ વર્લ્ડકપ જીતવા પર છે. છેલ્લા થોડા વર્ષોથી ભારત આઈસીસીની મોટી ટુર્નામેન્ટ જીતી શક્યું નથી. આ સ્થિતિમાં ભારત ટી-૨૦ વર્લ્ડકપ જીતવા તમામ તાકાત લગાવી દેશે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં મેદાન પર ઉતરશે.પ્રથમ રાઉન્ડમાં ૧૨ મેચો રમાશે. જેમાં આઠ ટીમો ભાગ લેશે. જેમાં બંને ગ્રુપમાં ટોચના બે સ્થાન પર રહેનારી ચાર ટીમો સુપર-૧૨માં ક્વોલિફાય થશે. ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ્‌સ, સ્કોટલેન્ડ, નામિબિયા, ઓમાન, પાપુઆ ન્યુ ગિની જેવા દેશો ભાગ લેશે. તેઓ રેન્કિંગમાં ટોચના આઠ સ્થાન પર રહેલી ટીમોની સાથે સુપર-૧૨માં જોડાશે.