ટપ્પર ડેમમાં ૩૧ જૂલાઈ સુધી ચાલે તેટલું જ પાણી જો વરસાદ ખેંચાય તો વધારાનો જથ્થો ફાળવવા સરકારમાં દરખાસ્તની તૈયારી

પાણી પુરવઠા વિભાગ દ્વારા આરંભાઈ કામગીરી : દરરોજ ૧૦૦ એમએલડી પાણી
ગાંધીધામ, અંજાર સહિત પશ્ચિમ કચ્છના મોટા ખભાગના વિસ્તારોમાં થાય છે વિતરીત

 

ગાંધીધામ : કચ્છ પર હજુ વરૂણ દેવની અમીદ્રષ્ટિ થઈ ન હોઈ લોકો આકાશ તરફ મીટ માંડી બેઠા છે. ડેમો-તળાવો તળિયા ઝાટક થવાની સ્થિતિમાં પહોંચી ગયા હોઈ પીવાના પાણીની તંગી સર્જાવવાની ભીતિ પણ સેવાઈ રહી છે. નર્મદા નીરથી એક સમયે હિલોળા લેતા બનેલ ટપ્પર ડેમમાં ૩૧ જૂલાઈ સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું હોઈ જો કચ્છમાં વરસાદ ખેંચાય તો પાણીનો વધારાનો જથ્થો ફાળવવા સરકારમાં દરખાસ્તની તૈયારી આરંભી દેવામાં આવી છે.
આ અંગેની વિગતો મુજબ વાગડમાં નર્મદા નીરના અવતરણ થયા બાદ ત્યાંથી કેનાલના માળખાને વિકસાવી અંજાર તાલુકાના ટપ્પર ડેમને નર્મદા નીરથી તરબોળ કરી દેવામાં આવ્યો હતો. ગાંધીધામ – અંજાર સહિત પશ્ચિમ કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં આ ડેમ મારફતે પીવાનું પાણી વિતરીત કરવામાં આવી રહ્યું છે. ટપ્પર ડેેમને નર્મદા નીરથી ભર્યા બાદ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં પીવાના પાણીની રાહત થઈ હતી. રાજ્યમાં ચોમાસુ બેઠાને ર૦થી વધુ દિવસો વીતી ચૂક્યા હોવા છતાં હજુ કચ્છમાં મેઘરાજાએ કૃપા વરસાવી નથી. એકલ-દોકલ સ્થળોએ અડધાથી એક ઈંચ જેટલું પાણી વરસાવ્યા બાદ દક્ષિણ ગુજરાત પર જ સમગ્ર હેત વરસાવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગત વર્ષે અપુરતો વરસાદ રહ્યા બાદ ચાલુ વર્ષે હજુ સુધી વરસાદ ન વરસતા જિલ્લાના તળાવો તો સુકાભઠ્ઠ બની જ ગયા છે, તેની સાથો સાથ ડેમો પણ તળિયા ઝાટક થવાની સ્થિતિએ પહોંચ્યા છે. ટપ્પર ડેમની સ્થિતિ પણ આવી જ હોઈ પાણી પુરવઠા વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે.
આ બાબતે પાણી પુરવઠા વિભાગના શ્રી ફફલે વિગતો આપતા જણાવ્યું કે, ટપ્પર ડેમમાંથી હાલે દૈનિક ૧૦૦ એમએલડી પાણી ગાંધીધામ, અંજાર સહિત પશ્ચિમ કચ્છના મોટા ભાગમાં વિતરીત કરાઈ રહ્યું છે. ૩૧ જુલાઈ સુધી જ પાણી ચાલે તેટલો જથ્થો હોઈ જો વરસાદ ખેંચાય તો વધારાનો જથ્થો ફાળવવા માટે સરકારમાં દરખાસ્ત કરવા માટેની તૈયારી આરંભી દેવામાં આવી છે.