જ્હૉન અબ્રાહમ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ

 પરમાણુની સહનિર્માત્રી પ્રેરણા અરોરાએ નોંધાવી : અગાઉ કેદારનાથના ડાયરેક્ટર સામે નોંધાવેલી

 

મુંબઇ : ફિલ્મ નિર્માત્રી પ્રેરણા અરોરાએ ટોચના અભિનેતા ફિલ્મ સર્જક જ્હૉન અબ્રાહમ સામે ફિલ્મ પરમાણુની રિલિઝમાં થઇ રહેલા વિલંબ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે અમારી સાથે જ્હૉન છેતરપીંડી કરી રહ્યો છે. વાસ્તવમાં વાત એવી છે કે ગયા વરસના ડિસેંબરમાં પરમાણુ ફિલ્મ રજૂ થવાની હતી. ૧૯૯૮માં ભારતે રાજસ્થાનમાં કરેલા શાંતિપૂર્ણ અણુવિસ્ફોટની કથા ધરાવતી આ ફિલ્મની રિલિઝ ડેટ બદલવાની જ્હૉનને ફરજ પડી હતી. ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતના વિવાદોના પગલે બીજી કેટલીક ફિલ્મો અટવાઇ પડી હતી જેમાં જ્હૉનની પરમાણુનો પણ સમાવેશ થયો હતો. ફિલ્મની રિલિઝની તારીખ એક પછી એક લંબાયે જતી હતી. દરમિયાન, તાજેતરમાં જ્હૉને ક્રી અર્જ એન્ટરટેઇમેન્ટ સાથેની સમજૂતીનો અંત આણ્યો હતો. ક્રી અર્જની પ્રેરણા અરોરાએ પોતાના વકીલ દ્વારા આ પગલાને ગેરકાયદે અને ગેરવાજબી ગણાવ્યું હતું. જવાબમાં જ્હૉનના વકીલે પોતાના પગલાને વાજબી અને કાયદેસર ગણાવ્યું હતું. જ્હૉને હવે આ ફિલ્મ મેના પહેલા શુક્રવારે રજૂ કરવાની જાહેરાત કરી હતી. દરમિયાન પ્રેરણાએ જ્હૉન સામે એફઆઇઆર નોંધાવી હતી. અગાઉ પ્રેરણાએ ફિલ્મ કેદારનાથના ડાયરેક્ટર અભિષેક કપૂર સામે પણ મુંબઇ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો કે આ માણસ જાણે કરીને ફિલ્મ વિલંબમાં નાખી રહ્યો છે.