જો જો, લગ્ન કરવાની લાલચે ઠગાઈ ન જતા મેરેજ બ્યુરોના નામે ફોન કરીને મહિલાઓ દ્વારા કરાય છે ઠગાઈ

અનેક યુવાનોને ફોનથી સારી સારી છોકરીઓ સાથે લગ્ન કરાવવાનું કહી ખંખેરાય છે નાણા : એટીએમ કાર્ડ બંધ થઈ ગયું હોવાના કીમિયા બાદ ઠગ ભગતોનું નવો તુક્કો

 

ભુજ : જો આપના લગ્ન ન થયા હોય અને લગ્નના ‘લડ્ડુ’ ફૂટતા હોય તો પણ મેરેજ બ્યુરોના નામે આવતા ફ્રોડ ફોન કોલમાં ન ફસાતા કેમ કે, લગ્નની લાલચ આપીને કુંવારા યુવાનો પાસેથી નાણા ખંખેરતી ગેંગ સક્રિય બની છે અને લગ્નની લાલચે ક્યારે છેતરાઈ જશો આપને ખબર પણ નહિ પડે. અગાઉ ઠગ ભગતો આવા ફ્રોડ કોલ કરતા હતા કે, આપનું એટીએમ કાર્ડ બંધ થઈ ગયું છે અને વાતો વાતોમાં જરૂરી માહિતી મેળવીને બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી ઠગાઈ આચરતા હતા, જો કે હવે આવી વાતોમાં કોઈ ફસાતા નથી તેથી ઠગ ભગતોએ નવો તુક્કો અજમાવ્યો છે અને હવે મેરેજ બ્યુરોનું નામ આપીને છેતરપીંડી કરી રહ્યા છે. જેમાં એક યુવાનને આવેલા ફોનમાં મહિલા દ્વારા તેને લાલચ અપાઈ હતી. જેમાં સારી સારી છોકરીઓ સાથે લગ્ન કરાવી આપવાની ગેરંટી આપીને ઓનલાઈન તેમજ બેંક એકાઉન્ટમાં રૂા. ૭ હજાર ભરવાનું જણાવ્યું હતું. પોતાની મીઠી વાતોમાં લગ્નવાચ્છુક યુવકોને ફસાવી નાણાં ખંખેરી લઈને પાછળથી કોઈ જ દાદ અપાતી નથી. આ યુવતિએ કચ્છમાં પણ પોતાની મેરેજ બ્યુરો હોવાનું જણાવ્યું હતું. જો કે તેની વાતો તથ્યહિન લાગતાં અને માત્ર પૈસા પડાવવાની લાગી આવતાં યુવાન તેના ઝાંસામાં ફસાયો ન હતો અને કચ્છ ઉદયને આ વાત કરી લોકોમાં જાગૃતિ ફેલાવવા તત્પરતા દર્શાવી હતી. માટે મેરેજ બ્યુરો સહિત અન્ય લોટરી લાગવાની, ઈનામ જીતવાની, એટીએમની કોઈ પણ વાતનો ફોન કોલ આવે તો વિચારીને પગલું ભરવાનું તેણે જણાવ્યું હતું.