જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરે જેહાદ કરવા માટે મહિલાઓને ભડકાવી

ઈસ્લામાબાદઃ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સૂત્રધાર મસૂદ અઝહર હવે મહિલાઓને પોતાનું હથિયાર બનાવવાની સાજિશ રચી રહ્યો છે. મૌલાના મસૂદ અઝહર જેહાદ ફેલાવવા માટે મહિલાઓની એક આતંકી ફોજ બનાવવા માગે છે અને આ માટે તે મહિલાઓને ભડકાવી રહ્યો છે.
મસૂદ અઝહરે પોતાની ઓનલાઈન જેહાદી પત્રિકા ‘અલ કલામ‘ દ્વારા પોતાનો ભડકાઉ ઓડિયો સંદેશ જારી કર્યો છે. મહિલાઓને જેહાદ માટે ભડકાવતાં મસૂદે ઈસ્લામિક ઈતિહાસમાંથી મહિલાઓ દ્વારા જેહાદમાં ભાગીદારીનાં કેટલાંય ઉદાહરણ રજૂ કર્યાં હોવાનો દાવો કર્યો છે. મસૂદ અઝહર ઓનલાઈન જેહાદી પત્રિકા ‘અલ કલામ‘માં ‘શાદી’ના ઉપનામ સાથે પોતાનો આર્ટિકલ લખે છે. મસૂદ અઝહરના સંદેશરૂપે જારી કરાયેલ ઓડિયો ક્લિપમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઈસ્લામના ઈતિહાસમાં અનેક પ્રસંગોએ મહિલાઓએ જેહાદમાં ભાગ લીધો હોવાના કિસ્સાઓ છે. જૈશ-એ-મોહમ્મદ જમ્મુ અને કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓમાં સક્રિય છે.અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે જમ્મુ-કાશ્મીરમાં રમજાન દરમિયાન લાગુ પાડવામાં આવેલા યુદ્ધવિરામને ભારત સરકારની મજબૂરી ગણાવીને તેના નિર્ણયની મજાક ઉડાવી હતી. મસૂદ અઝહરે એક ઓડિયો ક્લિપમાં એવું જણાવ્યું હતું કે અત્યારે કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને ઘૂસણખોરી માટે સારી તક છે. મસૂદ અઝહરે એક જાહેર સભાને સંબોધતાં જણાવ્યું હતું કે ભારત સરકારે મજબૂરીના કારણે યુદ્ધવિરામનો અમલ કર્યો છે.