જેન્તિ ભાનુશાલી હત્યા કેસના સાક્ષીની રેકી કરવા અને હત્યાના પ્રયાસમાં પૂર્વ ધારાસભ્ય સહિત 4 નિર્દોષ જાહેર

છબીલ પટેલ સહિતના 4 જણ સામે સાક્ષી પવન મોરેને જાનથી મારી નાખવાનું કાવતરૂં ઘડવાનો નોંધાયો હતો ગુનો : ગાંધીધામના એડીશનલ સેશન્સ જજ દ્વારા ચારેય આરોપીઓને નિર્દોષ જારી કરાયા

ગાંધીધામ : પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કેસના સંલગ્ન એવા સાક્ષીની રેકી કરી તેની હત્યાનો પ્રયાસ કર્યાના કેસમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સહિત 4 આરોપીઓને નિર્દોષ જારી કરાયા છે. ભાજપના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલીની હત્યા કેસના સાક્ષી પવન મોરે ઉપર રેકી કરવાના અને તેને જાનથી મારી નાખવાનું કાવતરૂં ઘડવાના કેસમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સહિત ચાર આરોપીઓને ગાંધીધામ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયા છે. ગાંધીધામ એસઓજી દ્વારા પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ ઉપરાંત તેમના વેવાઈ રસિક વગણ પટેલ, પિયુષ દેવજી પટેલ અને કોમેશ મગનલાલ પોકાર ઉપર ગાંધીધામમાં રહેતા પવન મોરેની રેકી કરી તેને જાનથી મારી નાખવાનું કાવતરૂં ઘડવાનો ગુનો દાખલ કરાયો હતો. પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલીની હત્યા થઈ, ત્યારે પવન મોરે તેમની સાથે ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કૂપેમાં સહપ્રવાસી હતા. કેસ દરમ્યાન આજે ગાંધીધામ એડીશનલ સેશન્સ જજ એમ.જે. પરાશરાએ ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપ્યો હતો. કેસમાં છબીલ પટેલ અને તેમની સાથેના અન્ય ત્રણ વતી એડવોકેટ દિલીપ જોશી, હિતેન્દ્રસિંહ વાઘેલા અને હરેશ કાંઠેચાએ તર્કબદ્ધ દલીલો કરી હતી. ઉલ્લેખનિય છે કે, જેન્તિ ભાનુશાલીની હત્યાને નજરે જોનાર સાક્ષી ગાંધીધામના પવન મોરે હતા. તે કારણોસર જ તેમની રેકી કરવા ઉપરાંત તેમને જાનથી મારી નાખવાનો પ્રયાસ જે તે વખતે કરાયો હતો.