જેનો કોઈ આધાર ન હોય એવા લોકોની પણ સરકારે લીધી દરકાર : કચ્છમાં આધાર વગરના નાગરિકોનું પણ કરાયું રસીકરણ

કચ્છ જિલ્લાની ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ દ્વારા દરેક સંસ્થાઓનો સંપર્ક કરી જરૂરત મંદોને અપાઈ રસી : ગરીબ, આધાર – પુરાવા વગરના વ્યક્તિઓ, ભિક્ષુક, સાધુ સહિતનાઓને રસીકરણમાં આવરી લેવાયા : જનકકુમાર માઢક (મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી)

ભુજ : કોરોનાની રસી લેવા માટે સરકાર માન્ય ઓળખકાર્ડ જરૂરી છે પરંતુ જેના કોઈ આધાર નથી અને વિચરતી – વિમુક્તિ જાતિના લોકો છે તેના માટે સરકાર દ્વારા ખાસ રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત સરકારે દરેક જિલ્લામાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને સ્પેશ્યલ ટીમ દ્વારા આવા લોકોની યાદી બનાવવામાં આવી છે અને તેમના માટે જિલ્લા અથવા તાલુકા કક્ષાએ રસીકરણ કેમ્પ યોજી જેનો કોઈ આધાર ન હોય એવા લોકોની પણ સરકારે દરકાર લીધી છે. કચ્છમાં આધાર વગરના નાગરિકોનું રસીકરણ કરીને ઉમદા કાર્ય સરકાર દ્વારા કરાયું છે.

આ અંગેની વિગતો મુજબ કોરોનાની રસી માટે સરકાર માન્ય આધાર પુરાવાની જરૂર પડે છે તે માટે લોકો પાસે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર, સ્માર્ટકાર્ડ, ફોટો સાથેના પેન્શનના પ્રમાણપત્ર આ વેલીડ ગણવામાં આવ્યો છે અને અત્યાર સુધી આ ડોકયુમેન્ટના આધારે જ સરકાર દ્વારા લોકોને વેક્સિન આપવામાં આવતી હતી. જે વ્યક્તિનો કોઈ આધાર ન હોય તે માટે દરેક જિલ્લામાં કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરાઈ હતી, જેની મુખ્ય જવાબદારી જે તે જિલ્લાના સીડીએચઓને સોંપાઈ હતી. આવા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને આમા સમાવેશ થતા લોકોની યાદી બનાવવામાં આવી હતી. આવા વ્યક્તિઓને સાચવતી સંસ્થાઓનું સંપર્ક કરી ડેટા એકત્રીત કરાયા હતા.  

આ બાબતે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી જનકકુમાર માઢકે કચ્છઉદયને વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજય સરકારે પરિપત્ર બહાર પાડીને જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરી વિચરતી, વિમુક્તિ જાતિ, મંદબુદ્ધિની સંસ્થાઓમાં રહેતા લોકો, રોડસાઈડ રહેતા લોકો, ભીક્ષુકો, સાધુઓ, જેલમાં રહેલા કેદીઓ, વૃદ્ધાશ્રમ રહેતા લોકોનો સમાવેશ કરી આવા લોકોને કોરોનાની રસી આપવાનું આયોજન ઘડયું હતું. કચ્છ જિલ્લામાં જુદી જુદી સંસ્થાઓ મારફતે મળેલા ડેટા મુજબ લાભાર્થીઓને રસીકરણ કરી દેવાયું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ રસીકરણના કેમ્પ યોજી જે લોકો રસી માટે પાત્રતા ધરાવે છે તેવા જરૂરત મંદોને રસી આપવામાં આવી છે.