જેનો કેસ લડ્યા હવે તેની સામે જ કેસ… ગાંધીધામના વકીલને ૧.પપ લાખની કોર્ટ ફી ન ચૂકવનારા પિતા-પુત્રી સહિત પાંચ સામે ફરિયાદ

ભરણ પોષણ અને છુટાછેડાના કેસમાં પાંચ વર્ષ પૂર્વે વકીલ રાખી કેસ લડયા અને ચુકાદો તરફેણમાં આવ્યા બાદ પણ વકીલને ફીની ચુકવણી ન કરી ઠગાઈ આચરાતા નોંધાયો ગુનો

ગાંધીધામ ; પચરંગી એવા આ શહેરમાં અનેકવખત ઠગાઈના બનાવો સામે આવતા હોય છે, ત્યારે વધુ એક ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વખતે ઉદ્યોગપતિ કે વેપારી નહીં પરંતુ ખુદ કાયદાના જાણકાર એવા ધારાશાસ્ત્રી ઠગાઈનો શિકાર બન્યા છે. પાંચ વર્ષ પૂર્વે વકીલે મહિલાનો ભરણ પોષણ અને છુટાછેડાનો કેસ હાથમાં લીધો હતો. જે કેસમાં લડાઈ બાદ ચુકાદો તરફેણમાં આવી પણ ગયો, પરંતુ પિતા – પુત્રી સહિત પાંચ જણાએ વકીલને ફીના રૂપિયા ૧.પપ લાખ ન ચુકવી ગાળો આપતા ગાંધીધામ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે.

ગાંધીધામમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા નરેશકુમાર જગદીશકુમાર વર્માએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. ૧ર-૧ર-ર૦૧પના તેમની ઓફિસે પૂજા રાજેશ શર્મા અને તેના પિતા રાજેશ શર્મા આવ્યા હતા. પૂજા શર્માનો ગાંધીધામની કોર્ટમાં છુટાછેડા અને ભરણ પોષણનો કેસ ચાલુ હતો. તેમને વકીલ બદલવો હોવાથી પુજાબેનના વકીલ તરીકે નરેશકુમારને કોર્ટમાં કેસ લડવા વિનંતી કરાઈ હતી. ચર્ચા બાદ છુટાછેડાના કેસ માટે ૧ લાખ અને ભરણ પોષણના કેસ માટે પપ હજારની ફી નક્કી કરાઈ હતી. જે તે સમયે પુરી ફી ચુકવવાનો વાયદો કરાયો હતો. ગત તા. ૧૮-૮-ર૦૧૮ના કોર્ટે પુજાબેનને છુટાછેડાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટમાં પુજાબેન કેસ જીતી જતા વકીલે તેમને ફોન કરી છુટાછેડાનો ઓર્ડર ઓફીસે લઈ જવા જણાવ્યું હતું. જે તે સમયે તેઓ આગ્રા ગયા હોવાથી બાદમાં ર૦૧૯ જાન્યુઆરીમાં ઓફીસે ચુકાદો લેવા ગયા હતા, ત્યારે વકીલે ફી માંગતા પુજા શર્મા અને તેમનો ભાઈ મુકેશ શર્મા ઉશ્કેરાઈ ગયા અને કહ્યું કે, તને પૈસા નહીં આપું. તારાથી જે થાય તે કરી લે. બાદમાં વકીલ તેઓના ઘરે ગયા ત્યારે પણ મારા ઘરે પૈસા માંગવા આવીશ તો જાનથી મારી નાખીશ, હાથ પગ તોડી નાખીશ જેવી ધમકી અપાઈ હતી. આમ આરોપીઓ રાજેશ શર્મા, પુજા શર્મા, ગુનગુન શર્મા, મુકેશ શર્મા અને પુજા શર્માની બીજી બહેન પાંચેય આરોપીઓએ ભેગા મળી વકીલને ફીના ૧.પપ લાખ ન ચુકવી જાનથી મારી નાખવાની ધમકી આપી છેતરપિંડી કરતા ગાંધીધામ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાઈ છે.