જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એકટ-૨૦૧૫ હેઠળ બાળકોની ઓળખ છતી કરવા સામે પ્રતિબંઘ

 વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-૧૯ દરમ્યાન અનાથ થયેલા બાળકોના ભરણપોષણ, શિક્ષણ અને આરોગ્ય તેમજ રોજગારી સુધીની ચિંતા કરી રાજય સરકારે મુખ્યમંત્રી બાળ સેવા યોજના તાજેતરમાં અમલી કરી છે જે અંતર્ગત ૦ થી ૧૮ વર્ષની વય જુથના તેમજ અભ્યાસ ચાલુ હોય તો ૨૪ વર્ષ સુધી પ્રતિ માસ રૂ.૪૦૦૦ ની સહાય કરાશે. ઉલ્લેખનીય છે કે, આ લાભાર્થી બાળકોની ઓળખ ગોપનીય રાખવાની હોય છે.

જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એકટ-૨૦૧૫ ની કલમ-૨ (૧૪) માં માતા-પિતા કે બાળકની કાળજી રાખનાર ન હોય તેવા બાળકોને કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળક તરીકે ઓળખવામાં આવેલ છે. તેમજ જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એકટ-૨૦૧૫ કલમ-૭૪ મુજબ કાળજી અને રક્ષણની જરૂરીયાવાળા બાળકો, કાયદાના સંપર્કમાં આવેલ બાળકો અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોની માહીતી વિઝયુઅલ મીડીયા અથવા અન્ય કોઇ સંચારના સ્ત્રોત જેવા કે, પત્ર, મેગેઝીન,સમાચાર પત્ર, અથવા ઓડીયો વિઝયુઅલ મીડીયા અથવા અન્ય કોઇ સોશીયલ મીડીયા જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટસઅપ, ટવીટર કે અન્ય માઘ્યમો દ્રારા કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકો કે કાયદા સાથે સંપર્કમાં આવેલ બાળકો અને કાયદાના સંઘર્ષમા આવેલ ૦ થી ૧૮ વર્ષની ઉંમરના બાળકો જેવા કે અનાથ, એક જ વાલીવાળા, નિરાઘાર, વિકલાંગતા ઘરાવતા, માનસિક બિમાર, બાળલગ્ન કરાયેલ, શોષિત, અસાઘ્ય રોગથી પિડાતા  તેમજ કોઇ ગુનાનો ભોગ બનેલ હોય અથવા નજરે જોનાર હોય, કોઇ ગુન્હો કર્યાનો આક્ષેપ હોય તેવા અથવા જે બાળકો બાળ સંભાળ સંસ્થાઓમાં આશ્રય લઇ રહયા હોય તેવા તમામ બાળકોના નામ, સરનામા,ચિત્ર,ફોટોગ્રાફ,શાળા, લખાણ કે અન્ય કોઇ વિગતો તેમજ અન્ય રીતે બાળકોની ઓળખાણ છતી કરવા ઉપર પ્રતિબંઘ છે તેવું જિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરી, ભુજ દ્વારા જણાવાયું છે.

જો બાળકોની પ્રસિઘ્ઘિ બાળકના હીતમાં હોય તો જીલ્લા કક્ષાએ કાર્યરત ચાઇલ્ડ વેલ્ફેર કમિટિ અથવા જુવેનાઇલ જસ્ટીસ બોર્ડની પરવાનગી મેળવીને જ કરવાની રહેશે. કોઇપણ વ્યકિત ઉપર જણાવેલ જોગવાઇઓનુ ઉલ્લંઘન કરશે તો તે જુવેનાઇલ જસ્ટીસ એકટ-૨૦૧૫ ની કલમ-૭૪ મુજબ ૬ મહીના સુઘીની કેદની સજા અથવા રૂ.૨,૦૦,૦૦૦/- સુઘીનો દંડ અથવા બન્નેની સજાને પાત્ર ઠરશે તેવું જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા જણાવાયું છે.