જુની દુધઈ નજીક હાઈવે પર ચાલતી ટ્રકમાં આગનો બનાવ

અંજાર : તાલુકાના ભુજ – ભચાઉ હાઈવે પર આવેલા જૂની દુધઈમાં ચાલુ ટ્રકે આગનો બનાવ બન્યો હતો. ટ્રકની પાછળ ઠાઠામાં પડેલો ભંગાર તેમજ ટાયરના સામાનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી. જો કે હાઈવે પરના સર્વિસ સ્ટેશન નજીક ટ્રકને લઈ જઈ આગ પર કાબૂ મેળવાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ – ભચાઉ હાઈવે પર જૂની દુધઈના સામૂહિક આરોગ્ય કેન્દ્ર નજીક હાઈવે પર ચાલુ ટ્રકમાં આગ ભભૂકી હતી. ટ્રકના ઠાઠામાં ભરેલ ટાયર અને ભંગાર જેવા સમાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. બનાવને પગલે ચાલક દ્વારા સમયસૂચકતા દાખવી હાઈવે પરના સર્વિસ સ્ટેશન નજીક ટ્રકને લઈ જવાઈ હતી. અને સર્વિસ સ્ટેશનના પાણીના ફુંવારા વડે આગ પર કાબૂ મેળવાયો હતો. બનાવ અંગે દુધઈના પીએસઆઈ પી.કે. ગઢવી સાથે વાત કરતાં બનાવને સમર્થન આપ્યું હતું અને આગ પર કાબૂ મેળવાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું. ઘટનામાં કોઈ જાનહાની કે કોઈને ઈજા પહોંચી ન હોવાનું તેમણે કહ્યું હતું.