જી.કે. હોસ્પિટલ દ્વારા દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૧૦૦ દર્દીઓની કરાઈ ચકાસણી

કોરોનાના કેસોમાં ઘટાડો નોધાતા છેવાડાના વિસ્તારમાં આરોગ્ય સેવા પુનઃ શરૂ : ચોમાસામાં તાવ, પાણીજન્ય રોગોથી સાવધ રહેવા તબીબોએ આપ્યું માર્ગદર્શન

ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહકારથી કોરોનાની બીજી લહેર દરમિયાન કેસોમાં થયેલા નોંધપાત્ર ઘટાડાને પગલે અંતરિયાળ વિસ્તારોમાં વસવાટ કરતાં ગ્રામજનોને નિષ્ણાંત તબીબોની સેવાનો લાભ પ્રાપ્ત થાય એવા ઉમદા હેતુસર પુનઃ આરોગ્યની સેવા શરૂ કરવામાં આવી છે.
હોસ્પિટલ મારફતે જુદા જુદા રોગના દર્દીઓનું નિદાન, સારવાર યોગ્ય માત્રામાં થાય એ હેતુ માટે પુન; શરૂ થયેલી આરોગ્ય સેવાના ભાગરૂપે લખપત તાલુકાનાં મુખ્ય મથક દયાપર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૧૦૦ ઉપરાંત દર્દીઓની ચકાસણી કરાઈ હતી. જેમાં તાવ, પેશાબ (યુરીન), પાણી જન્ય રોગ તથા ચામડીના ચેપના રોગ જાેવા મળ્યા હતા. તબીબ ડો. અવિનાશ ત્રિવેદીએ કહ્યું કે, વરસાદી મોસમની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે આ વિસ્તારમાં તાવના દર્દીઓ અત્યારથી જ વધુ જાેવા મળે છે. જેમાં મેલેરિયા મુખ્ય હોવાનું જાણવા મળ્યું છે. પાણીની સમસ્યાને કારણે પેશાબ અને ચાંદીમાં ફ્ંગસ થવાના કિસ્સાઓ પણ જાેવા મળતા ડો. ત્રિવેદીએ ચકાસણી કરવા આવેલા દર્દીઓ તથા આ વિસ્તારના લોકોને અનુરોધ કરતાં જણાવ્યુ હતું કે, આગામી દિવસોમાં ચોમાસાને કારણે મચ્છર સામે જરૂરી સાવચેતી રાખવી જરૂરી છે. સ્ત્રીરોગ વિભાગના ડો. પુજા આહીર વિગેરેએ જાેડાઈ સારવાર આપી હતી.