જી.કે.માં મોતિયો, પાંપણ ઢળવા, ઝામર અને આંખની ગાંઠના ઓપરેશન સરળ બનશે

આંખના જુદા જુદા ઓપરેશન માટે આધુનિક ઉપકરણો વસાવાયા

ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં આંખના જુદા જુદા પ્રકારના ઓપરેશન્સ સરળતાપૂર્વક કરી શકાય. એ માટે અતિ આધુનિક કહી શકાય તેવા ફેકો તથા માઈક્રોસ્કોપ જેવા ઉપકરણો વસાવવામાં આવ્યા છે. જી.કે. જનરલ હોસ્પિટલમાં ઓપરશન અને ચોક્કસ દિવસે ઑ.પી.ડી. માટે આવતાશહેરના જાણીતા આંખના નિષ્ણાંત ડો. અતુલ મોડેસરાએ કહ્યું કે, ફેકો મશીનથી આંખના મોતિયાને આંખમાં જ ગાળી નાખવામાં આવે છે. આ પ્રકારના ઓપરેશનથી ટાંકા લેવા નથી પડતા તેમજ મોતિયા પછી ચશ્માના નંબર હોય તે કરતાં પણ ઓછા આવે છે. અને દર્દી ઝડપથી પોતાની રોજબરોજની કામગીરી કરી શકે છે. આંખ વિભાગમાં ફેકો મશીન દ્વારા સો જેટલા ઓપરેશન તો ટૂંકાગાળામાં જ કરી નાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત જી.કે.જનરલ હોસ્પિટલમાં બીજું એક આધુનિક માઈક્રોસ્કોપ ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે. જેના સથવારે મોતિયાના ઓપરેશન ઉપરાંત બીજા ઓપરેશનો પણ અત્યંત સરળ બન્યા છે. જેમાં પાંપણ, ઢળવાના તથા આંખમાં સુક્ષ્મ ગાંઠ હોય તો પણ તેને સરળતાથી પારખી લઈ ઓપરેશન કરી શકાય છે. જ્યારે આંખની ઝામરનું ઓપરેશન પણ માઈક્રોસ્કોપની મદદથી ઓપરેશન કરી શકાય છે. જી.કે. જનરલ હોસ્પિટલના આંખ વિભાગના વડા અને પ્રો. ડો. કવિતા શાહે કહ્યું કે, સ્વિત્ઝરલેન્ડની બનાવટનું આ ફેકો મશીન ઓર્ટલી-કેટેરેસ છે જેને સાદી ભાષામાં ટાંકા વગરનું ઓપરેશન કહેવામા આવે છે. જેનાથી ચેપ લાગવાની શક્યતા ખૂબ ઓછી હોય છે.