જી.કે.માં દર્દીઓને બહારથી મોંઘીદાટ દવા લખી અપાતા હોબાળો

image description

દાખલ થતા દર્દીઓ પાસેથી ખોટી રીતે રૂપિયા લેવાતા હોવાના આક્ષેપ સાથે હિન્દુ યુવા સંગઠન દ્વારા હોસ્પિટલના જવાબદારોને રજૂઆત કરાઈ

ભુજ : જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલ જી.કે. જનરલ અવાર નવાર વિવાદોમાં સપડાતી હોય છે, ત્યારે વધુ એક મુદ્દો સામે આવ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓને બહારથી મોંઘીદાટ દવા લખી અપાય છે, તેમજ દાખલ થતા દર્દીઓ પાસેથી ખોટી રીતે રૂપિયા લેવાતા હોવાની રજૂઆત હિન્દુ યુવા સંગઠન દ્વારા કરાઈ હતી.સંગઠનના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, જે દર્દી દવા લેવા માટે આવે તેને ડોકટર દ્વારા દવા લખી અપાય છે, પરંતુ હોસ્પિટલની મેડિકલમાંં આ દવા મળતી નથી. જેથી બહારથી આ ગોળીઓ લેવી પડે છે, જે પણ માત્ર જી.કે.ની બહાર આવેલી મેડિકલમાં મળે છે. જે દવા હોસ્પિટલમાં ઉપલબ્ધ જ ન હોય તેવી દવા ડોકટર ન લખી આપે તે માટે માંગણી કરાઈ છે. ઉપરાંત હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ પાસેથી સોનોગ્રાફી, એક્સ-રે, રૂમ ચાર્જના શુલ્ક લેવાય છે. જે રૂપિયા ખોટી રીતે લેવાતા હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભે હોસ્પિટલમાં ડો. હિરાણીને રજૂઆત કરવામાં આવી હતી. આ વેળાએ દિગ્વિજયસિંહ જાડેજા, હિરેન જોષી, જયપાલસિંહ, રાજદીપસિંહ, રણછોડ આહિર, ભદ્રેશ આહિર, અનિલસિંહ જાડેજા, ગોકુલ દવે વગેરે જોડાયા હતા.