જી.કે.માંથી ગુજસીટોકના ફરાર આરોપીને મદદગારી કરનાર વધુ ૩ આરોપીઓ ૪ દિવસના રિમાન્ડ પર

ભુજ : શહેરની જી.કે. નજરલ હોસ્પિટલમાંથી ગુજસીટોકના ગુનાનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા પોલીસ જાપ્તામાંથી નાસી ગયો હતો. જે બાબતે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. ત્યારે નિખિલ દોંગાને ભગાડવાના કાવતરામા સામેલ અને મદદગારી કરનાર અન્ય ત્રણ આરોપીઓની સંડોવણી તપાસમાં સામે આવી હતી. આ આરોપીઓને ઝડપી પાડીને પોલીસે પુછપરછ કરતા તેઓએ ગુનાનો એકરાર કર્યો હતો. પોલીસે ઝડપેલા ત્રણ આરોપીઓ રાજકોટના ૨૮ વર્ષિય નિકુંજ તુલશીભાઇ દોંગા, ગોંડલના ૨૯ વર્ષિય મોહિત ઉર્ફે મુંડો રમેશભાઈ સખીયા અને રાજકોટના ૩૦ વર્ષિય પાર્થ ઉર્ફે લાલો બિપીનભાઈ ધાનાણીની ધરપકડ કરી હતી. ઝડપાયેલા ત્રણેય આરોપીઓને પોલીસે આજે ૧૦ દિવસના રિમાન્ડની માંગણી સાથે નામદાર ભુજ કોર્ટમાં રજૂ કર્યા હતા. નામદાર કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના આગામી તારીખ ૯મી એપ્રીલ સુધીના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

– નહી તો જેલમાં બનશે વધુ ગંભીર ગુન્હા

નીખીલ દોંગા કેસમાં જે કોઈ કસુરવાર હોય તેઓની સામે ધાક બેસાડતી લાલઆંખ કરવી જ ઘટે : સંડોવણી ધરાવતા અમુક ભ્રષ્ટ ખાખીધારીઓને નશ્યત કરવા જોઈએ : માત્ર સસ્પેન્ડ કીર દેવાથી આ પ્રકારના ગંભીર ગુન્હાના પુનરાવર્તન ન થવાનો શબક નહી થાય પુરતો : સમગ્ર બેડાને માટે મુશ્કેલી ઉભી કરનારા તથા બેડાની ભૂમિકા સામે પણ શંકા સર્જનારાઓને તો સસ્પેન્ડ નહી પણ ડીસમીશ જ કરવા જોઈએ : ન માત્ર ખાખીધારીઓ બલ્કે તે ઉપરાંત તબીબી સ્ટાફ સહિતના જે કોઈ પણ સંડોવણી ધરાવતા હોય તેઓ તમામની સામે બોધપાઠ રૂપ કડકાઈ કરવી જ ઘટે

ગાંધીધામ : ગુજસીટોક જેવા ગંભીર ગુન્હાનો ગુન્હેગાર ખાખીધારીઓની મદદગારીથી નાશી છુટયાની ઘટના ન માત્ર કચ્છ બલ્કે ગુજરાત પોલીસ બેડામાં ખળભળાટી મચાવનારી સ્થીતી સર્જી દીધી હતી. પશ્ચીમ કચ્છ પોલીસ અને ગુજરાતની અન્ય એજન્સીઓએ આ કેસમાં રાત-દિવસ એક કરી અને મહેનત કરતા નીખીલ દોંગા જેવા ખુંખાર ગુન્હેગાર નૈનિતાલમાંથી ઝડપી લેવાની સફળતા મળી જવા પામી છે પરંતુ આ ઘટનાક્રમોનો બોધપાઠ શુ લેવામાં આવ્યો છે? હકીકતમાં આવી ઘટનાઓને પોલીસ તંત્ર સહિતની એજન્સીઓએ ખુબ જ કડકાઈથી લેવાની જરૂર છે.
આવા બનાવોમાં જો ગંભીરતા નહી લેવામા આવે તો જવાબદારો સામે પગલા નહીં લેવાય તે પણ નિશ્ચિત જ મનાઈ રહ્યુ છે. જેલમાં વધુ ગંભીર ગુન્હેગારો રહેલા છે તે પણ સૌ કેાઈ જાણે છે. ભુજની જેલ રાજયના કઈક ખુંખાર ગુન્હેગારો રાખવામા આવી રહ્યા છે. જો આ ઘટનામાં લાપરવાહો આબાદ બચી ગયા અથવા તો નિયમોની આંટીઘુંટીથી રાહતો પામી ગયા તો પછી ભવિષ્યમાં આવા ખુંખાર કેદીઓના પણ મનોબળ ઉચકાઈ શકે તેમ છે અને તેઓ પણ આવી જ રીતે આયોજનબદ્ધ રીતે ષડયંત્ર રચી અને નાશી છુટવામાં સફળ થઈ શકે તેવી લાલબત્તી જાણકાર વર્ગ દ્વારા સેવવામા આવી રહી છે.

જો જો ગુજસીટોકના ફરાર આરોપીના મામલામાં ભીનું ન સંકેલાય

ભુજ : અહીંની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી ગોંડલનો ગુજસીટોકનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા નાસી ગયા બાદ પોલીસે તેને અને તેના સાગરીતોને ઝડપી તો પાડ્યા છે. પરંતુ આરોપીને ભગાડવા માટે મદદગારી કરનાર અન્ય લોકો સામે ક્યારે ગાળીયો કસાસે તે મોટો સવાલ છે. આરોપીને ભગાડવામાં પોલીસ ઝાપતામાં રહેલા બે પીએસઆઈ અને એએસઆઈ તેમજ કોન્સ્ટેબલને ઝડપી પાડવામાં આવ્યા, પરંતુ પાલારા જેલથી લઈને જીકે હોસ્પિટલ સુધીના નેટવર્કનો પણ પર્દાફાશ કરાય તે જરૂરી છે. કેમકે જેલના જવાબદારો, જી.કે.ના તબીબો સહિતનાઓની પણ મિલિભગત હોવાની ચર્ચાઓ છે અને આરોપીને ભગાડવા માટે મોટા આર્થિક વ્યવહારો પણ થયા છે ત્યારે પોલીસ આ ઘટનાના મુળમાં જઈને તટસ્થ તપાસ કરે તે અનિવાર્ય છે. આ ચકચારની બનાવને કારણે ન માત્ર કચ્છ, પરંતુ ગુજરાતભરમાં પોલીસની બદનામી અને નાલેસી થવા પામી છે ત્યારે જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તે સમયની માંગ છે.