જી.કે. જન. અદાણી હોસ્પિટલ સવા વર્ષ સુધી બીમાર અને નિરાધાર પંજાબી આધેડ માટે બની આધારઃ

છેવટે લાંબી પૂછપરછના અંતે પંજાબની લુધિયાણા સ્થિત સંસ્થાએ તેને સ્વીકારવાની તૈયારી દર્શાવતા ભુજની એક સંસ્થા મારફતે તેને નિર્વિધ્ને પહોંચતો કર્યો

ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં જેને કોઈ ઓળખતું ન હોય કે તેના સગા-સબંધી ન હોય એવા દર્દી આવી ચઢે તો અહીંનો સ્ટાફ પછી તે પર્સનલ કેર આસિસ્ટન્ટ, નર્સિંગ અને તબીબો તમામ આવા દર્દીના વડીલ, વાલી કે બરદાસીની ભૂમિકામાં આવી જઈ સારવાર કરે છે. આવી જ એક અજાણી વ્યક્તિ બીમાર હાલતમાં ૧૦૮ દ્વારા આજથી સવા વર્ષ પહેલા આવી અને તેને તમામ સારવાર આપ્યા બાદ આજે હેમખેમ તેના વતન પંજાબ પહોંચી જતાં હોસ્પિટલના કર્મચારી-અધિકારીઓએ સંતોષનો શ્વાસ લીધો હતો.
આજથી ૧૬ માસ પૂર્વે ૧લી એપ્રિલ ૨૦૨૦ના રોજ ૧૦૮ મારફતે ૫૬ વર્ષની વયના આધેડને લાવવામાં આવ્યો ત્યારે તેનું કોઈ વારસ નહોતું. તેથી હોસ્પિટલમાં અજ્ઞાત વ્યક્તિ તરીકે તેને દાખલ કરી સારવાર આપવાની શરૂઆત કરી. શરીર અશક્ત હતું. બીપી તો હતું જ સાથે પેરાલિસિસનો હળવો એટેક પણ હતો. તેમ હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબ અને આસી. પ્રો. ડો. ચંદન ચુડાસમાએ જણાવ્યુ હતું. તેમના જણાવ્યા અનુસાર આવા અજાણ્યા દર્દીને અવગણી શકાય નહીં. એટલે તુરંત હોસ્પિટલ ખુદ વાલીની ભૂમિકામાં આવી ગઈ. દર્દીના તમામ રિપોર્ટ કરવામાં આવ્યા. કોરોનાના લક્ષણો ન હતા છતાં જરૂરી ટેસ્ટ કરાવી એટલું જ નહીં તે બોલી ચાલી શકતો ન હોવાથી તેના શારીરિક લક્ષણો ઉપરથી જરૂરી તમામ રિપોર્ટ તૈયાર કરી તેને સારવાર આપવાની શરૂ કરી જે બહુ લાંબા સમય સુધી ચાલી. પ્રથમ દ્રષ્ટિએ તે પંજાબી જાણતા અહીના પંજાબી સિક્યુરિટી સ્ટાફની મદદથી તેમજ અન્ય આધારે તેનું નામ મલ્કિતસિંઘ પાલસિંઘ જાણવા મળ્યું. લાંબા સમય સુધી હોસ્પિટલમાં અજાણી વ્યક્તિ કાયમ રાખી ન શકાય. તેથી સિક્યુરિટી વિભાગ દ્વારા જુદી જુદી સંસ્થાનો સંપર્ક કર્યો પણ ભાષાના પ્રશ્નો હોવાથી મુશ્કેલી ઊભી થઈ. દરમિયાન સોશિયલ મીડિયા મારફતે પંજાબના લુધિયાણા જિલ્લાના સરભા વિસ્તારનો ગુરુ અમરદાસ અપાહાજ આશ્રમ તેને સ્વીકારવા તૈયાર થયો. દરમિયાન ભુજની મોહમ્મદી ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ અબ્બાસભાઈ માંજાેઠીએ સંસ્થાના વાહન મારફતે તેના માદરે વતન તેને પહોંચાડવાનું બીડું ઝડપ્યું અને નિર્વિધ્ને તેને માદરે વતન પહોંચાડવા પહેલા તેનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.