જી.કે. જનરલ હોસ્પિટલ દ્વારા ૨૦ દિવસમાં ૨ લાખ ૨૪ હજાર સીસી રક્ત એકત્રિત કરાયું

સામાજિક સંસ્થાઓ દ્વારા મળ્યો સહયોગ

ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં કાર્યરત બ્લડબેન્ક દ્વારા વર્તમાન માસમાં ૨૦મી સપ્ટેમ્બર સુધી ઇનહાઉસ તથા ભુજમાં પાંચ રક્તદાન કેમ્પનું આયોજન કરી કુલ ૬૪૦ બેગ્સ એટલે કે ૨ લાખ ૨૪ હજાર સીસી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
હોસ્પિટલની બ્લડબેંકના હેડ ડો. જિજ્ઞાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ કચ્છના જુદા જુદા સ્થળોએ તબક્કાવાર ચાલતા રક્તદાન કેમ્પ અને બ્લડબેંક ખાતે આવતા સ્વૈચ્છિક રક્તદાતાઓ દ્વારા હોસ્પિટલમાં બ્લડની જરૂરિયાતને સંતોષવા આ મહિનામાં ૫૩૫ થેલી કેમ્પ દ્વારા અને ૧૦૫ થેલી રક્ત હોસ્પિટલના ઇનહાઉસમાં મળીને કુલ ૬૪૦ થેલી રક્ત ભેગું કરવામાં આવ્યું હતું. બ્લડબેંકના કાઉન્સેલર દર્શન રાવલે કહ્યું કે, ભુજમાં યોજાયેલા પાંચ કેમ્પ પૈકી ભુજ સ્થિત વાગડ બે ચોવીસી ખાતે અગ્રણી હિતેશભાઇ ખંડોલની રક્તતુલા દ્વારા ૨૩૬ બેગ્સ, લોહાણા ભુજ સમાજવાડી ખાતે રઘુવંશી સોશિયલ ગ્રૂપ મારફતે ૧૧૩ બેગ્સ ઉપલબ્ધ થઈ હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે રાજપૂત સમાજ ભુજ અને રાજપૂત યુવક મંડળ ભુજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરી જી.કે. જનરલ હોસ્પિટલના સહયોગથી કુલ ૧૨૩ બેગ્સ રક્ત ભેગું કરવામાં આવ્યું હતું તેમજ ભુજ ખાતે બીએસએફ ૧૦૧૧ આરટી આયોજિત કેમ્પમાં ૬૦ બોટલ એકત્રિત થયું હતું. આ પ્રકારે જી.કે. જનરલ હોસ્પિટલમાં અકસ્માત, ગંભીર શસ્ત્રક્રિયા સહિત થેલેસેમિયાના દર્દીઓની જરૂરિયાત માટે આયોજન કરી રક્તદાન માટે સામાજિક સંસ્થા અને સ્વૈચ્છિક સંસ્થાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

થેલેસેમિયાના બાળદર્દી અંશનો જન્મદિન રક્તદાન કેમ્પ યોજીને કરાય છે

ભુજ : થેલેસેમિયાના દર્દીઓ માટે કચ્છના રક્તદાતાઓ સ્વૈચ્છિક રક્તદાન કરે છે. આ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા તેમજ રક્તદાતાઓનું ઋણ અદા કરવા થેલેસેમિયાના દર્દી અંશ ઠક્કર( ઉ.વ.૧૨)નો જન્મ દિવસ ૯મી સપ્ટેમ્બરના રોજ છેલ્લા ચાર વર્ષથી રઘુવંશી સોશિયલ ગ્રૂપ દ્વારા રક્તદાન કેમ્પ યોજીને કરવામાં આવે છે. આ કેમ્પ માટે જી.કે. જનરલનો સહયોગ પ્રાપ્ત થાય છે એમ અંશના પિતા સચિન ઠક્કરે જણાવ્યુ હતું.