જી.કે. જનરલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં ૩૦૦ પૈકી માત્ર ૧૩૯ બેડ જ ખાલી

તંત્રની સબ સલામતની આલબેલ વચ્ચે જી.કે. કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો ઘણું સૂચવે છે

ભુજ : જિલ્લામાં એકતરફ કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. બીજીતરફ જિલ્લા મથક ભુજ કોરોના હોટસ્પોટમાં ફેરવાઈ રહ્યું છે, ત્યારે જિલ્લાની મુખ્ય અને પ્રથમ કોવિડ હોસ્પિટલ જી.કે. જનરલમાં પણ કોવિડ દર્દીઓનો ધસારો વધ્યો છે. સોમવારના લેટેસ્ટ આંકડા પ્રમાણેે જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાથી પીડિત ૧૬૧ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. આના પરથી અંદાજો લગાવી શકાય કે પરિસ્થિતિ કેટલી હદે વણસી રહી છે. જો કે સરકારી તંત્રો સબ સલામતની આલબેલ પોકારી રહ્યા છે. જી.કે. જનરલમાં ઈમરજન્સી વિભાગમાં પાછળના ભાગે શરૂ કરાયેલ કોવિડ-૧૯ ડેડીકેટેડ હોસ્પિટલમાં કુલ ૩૦૦ બેડની જગ્યા ઉભી કરાઈ છે, જેમાં હાલની સ્થિતિએ ૧૬૧ દર્દીઓ દાખલ છે. તેમજ હાલમાં ૧૩૯ બેડની જગ્યા ખાલી છે. ભુજમાં જે રીતે કેસો વધી રહ્યા છે, ત્યારે મોટાભાગના દર્દીઓ ભુજના હોવાનું જાણવા મળ્યું છે. અલબત જે લોકોને સામાન્ય લક્ષણ હોય તેઓને તો ઘરે આઈસોલેટ કરવામાં આવે છે. જે લોકોને કોરોના ઉપરાંત અન્ય બિમારી હોય તેમજ પરિસ્થિતિ ગંભીર હોય તો જ જી.કે.માં દાખલ કરાય છે. એક તબક્કે ખાલી થઈ ગયેલી હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાઈ આવતા એક વાત ફલિત થઈ છે કે, સરકારી તંત્ર જે વિગતો આપે છે, તેમાં ભેદ ભરમ છે. જિલ્લામાં હાલમાં આદિપુરમાં, હરિઓમ તેમજ અંજારમાં સીએચસી, માંડવી સીએચસી સહિતના કોવિડ કેર સેન્ટરો કાર્યરત છે. તંત્રના મતે હાલમાં ર૦૦થી વધુ એક્ટિવ કેસ છે, જેમાં મોટાભાગના દર્દીઓ જી.કે.માં દાખલ હોય તો અન્ય કોવિડ કેર સેન્ટરમાં શું પરિસ્થિતિ હોઈ શકે તેનો અંદાજ લગાવવો અઘરો છે. હાલની આ પરિસ્થિતિ ગમે ત્યારે ભયાવહ થાય તે પૂર્વે લોકો સમજદારી દાખવે તે જરૂરી છે.

કચ્છમાં ૪૦ ટકા પથારીઓ ભરાયેલી છે : ડો. માઢક

ભુજ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.ઓ. માઢકે જણાવ્યું કે, હાલમાં કચ્છ જિલ્લામાં કોરોના હોસ્પિટલમાં ૪૦% પથારીઓ ભરાયેલી છે. તેમજ સોમવારે મળેલી બેઠકમાં બેડ કેપેસિટી વધારવા તેમજ સર્વેલન્સ પર ભાર મુકવા અનુરોધ થતાં આ દિશામાં કામગીરી શરૂ કરાઈ છે. હાલમાં ૪૦૦ સ્થળોએ જિલ્લામાં રસીકરણ થઈ રહ્યું છે, ત્યારે લોકો વેક્સિન મુકાવે તેમજ બિમારી બચવા માસ્ક, સેનેટાઈઝર અને સોશ્યિલ ડિસ્ટનસનું પાલન કરે તેમજ ભીડભાળવાળી જગ્યાએ જવાનું ટાળે એ માટે જણાવ્યું હતું. દરેક તાલુકા કક્ષાએ કોવિડ સેન્ટર ઉભુ કરાશે તેવું પણ ઉમેર્યું હતું.