જી.કે. જનરલ હોસ્પિટલના સ્કિન વિભાગમાં આવતા ચામડીના કુલ દર્દી પૈકી ૭૦ ટકા વર્ષાઋતુ સબંધી

ચોમાસામાં બેક્ટેરિયાનું સંક્રમણ વધી જાય છે, ચામડીને સંક્રમિત કરે છે

ભુજ : વર્ષાઋતુ સાથે જ ચોમાસાને લગતી બીમારી પણ શરૂ થઈ જાય છે. આ ઋતુ મચ્છર, માખી અને બેક્ટેરિયા માટે જીવાદોરી સમાન છે. પરિણામે ડેન્ગ્યુ, કોલેરા અને ચિકનગૂનીયા જેવા રોગનો લોકો શિકાર બની જાય છે. આ બીમારી ઉપરાંત વરસાદમાં ચામડી, વાળ અને ફ્ંગલ ઇન્ફેકશન અને એલર્જી પણ માથું ઉચકે છે. અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં ચામડીના રોગ વિભાગમાં આવતા દર્દીઓ પૈકી આજકાલ ૭૦ ટકા દર્દીઓ મોન્સુન સ્કીન ઇન્ફેકશનને લગતા જાેવા મળે છે.
હોસ્પિટલના સ્કીન વિભાગના ચામડીના રોગના નિષ્ણાંત અને આસી. પ્રો. ડો. આદિત્ય નાગન્દ્રે કહ્યું કે, આ ઋતુમાં સ્કીન હેયર અને ફ્ંગલ ઇન્ફેકશન તથા એલર્જીની સિઝન શરૂ થઇ જાય છે, જેમાં ચામડીમાં અને વાળમાં ખંજવાળ તેમજ ત્વચાનો રંગ બદલાઈ જાય છે. કારણ કે, ભેજ અને ઘરની આસપાસ ભરાતા પાણીને કારણે બેક્ટેરિયા જન્મે છે અને ચેપ લગાડે છે. વળી પસીનાને કારણે ખંજવાળથી ચામડીમાં લાલ દાણા અને દાદર પણ થાય છે. પગ પાણીમાં પલાળવાથી તથા બગલમાં પસીનો, વાળમાં પસીનો રહી જાય તો ઇન્ફેકશન થાય છે. પછી ડ્રાયનેસ અને ખંજવાળથી ચામડીના જુદા જુદા રોગ થાય છે. ઉપાય સૂચવતા તેમણે કહ્યું કે, બહારથી આવ્યા પછી સ્વચ્છ પાણીથી પગ ધોવા, વારંવાર થતો પસીનો ન થાય તે માટે ટેલ્ક્મ પાવડર લગાડવો. નહાવા પછી શરીરને વ્યવસ્થિત સુકાવા દેવું, ખુલ્લા કપડાં અને ચંપલ પહેરવા એમ રેસિ. ડો. ઐશ્વર્યા રામાણીએ કહ્યું હતું.