જી.કે. જનરલ હોસ્પિટલના એન્ટિનેટલ યુનિટમાં દર માસે કરાતી ૨૦૦ જેટલી સોનોગ્રાફી, ચકાસણી અને પરામર્શ

કોરોનાના ટોંચ સિવાયના દિવસોમાં મળતો વ્યાપક પ્રતિસાદ ઃ હોસ્પિટલમાં ડિલિવરીની સંખ્યા વધી

ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં કચ્છના અંતરિયાળ વિસ્તારમાથી આવતી ગર્ભવતી માતાઓને વિશેષ સુવિધા ઉપલબ્ધ બને હેતુસર ઓપીડી રૂમ ન. ૧૮ માં શરૂ થયેલી ક્લિનિક,સોનોગ્રાફી તેમજ લેબ ટેસ્ટિંગને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. કોરોનાના ટોંચ સિવાયના દિવસોમાં પ્રતિમાસે સરેરાશ ૨૦૦થી વધુ માતાઓની સોનોગ્રાફી કરવામાં આવે છે અને ૩૦૦ જેટલી ગર્ભવતી મહિલાના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી.
હોસ્પિટલના આ વિશેષ એન્ટિનેટલ ક્લિનિકના સ્ત્રીરોગ નિષ્ણાંત અને કન્સલ્ટન્ટ ડો. નીલમ પટેલે કહ્યું કે, સ્ત્રીરોગ વિભાગના હેડ અને એડી.ડિન. ડો. એન.એન.ભાદરકાના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી ક્લિનિકમાં સગર્ભા માતાઓને હોસ્પિટલના મુખ્ય રેડિયોલોજી વિભાગમાં સોનોગ્રાફી માટે લાઇનમાં ઊભું ન રહેવું પડે અને વિશેષ તકલીફ ઊભી ન થાય તે માટે એક જ જગ્યાએ શરૂ થયેલી આ ક્લિનિકને કારણે સગર્ભા માતાઓ વધુને વધુ લાભ લે છે. આ યુનિટમાં ખાસ કરીને હાઇરિસ્ક(જાેખમી) લક્ષણો જેમ કે, બીપી, ડાયાબિટીસ, અગાઉ સિઝેરીયન થયું હોય, પાણી ઓછું થઈ ગયું હોય તેવી સગર્ભા માતાઓની સોનોગ્રાફી કરવામાં આવે છે. અને ઝડપી લોહી ટેસ્ટિંગના કારણે તેમને ત્વરિત સારવાર, પરામર્શ અને માર્ગદર્શન આપવામાં આવે છે. ઉપરાંત હાઇરિસ્ક સિવાય સગર્ભા માતાઓ ખુલ્લા મને અલગ યુનિટમાં ચર્ચા કરી શકે છે. પરિણામે, આવી માતાઓ નિયમિત ડોકટરની સલાહ મુજબ હોસ્પિટલની મુલાકાત લેતી હોવાથી તેમની વિશેષ સંભાળ લઈ શકાય છે. અને એ રીતે હોસ્પિટલમાં ડિલિવરીની સંખ્યા પણ વધી છે એમ ડો. ભાદરકાએ જણાવ્યુ હતું.