જી.કે. જનરલમાં કોરોના સારવાર અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો હેલ્પ ડેસ્કનો સંપર્ક કરવા ઈજન

  • પ્રાંત કલેક્ટર મનિષ ગુરવાણીના નેજા હેઠળની ટીમ જી.કે.માં ખડે પગે

નાયબ મામલતદાર, ક્લાર્ક, ટીચરને પણ સોંપાઈ છે જવાબદારી

કોઈપણ વ્યક્તિ હેલ્પ ડેસ્કના નંબર ૬૩પ૯૦ ૬૦૯૬૪ અને ૮૯૮૦૮ ૦ર૯૧૦ પર સંપર્ક કરી મેળવી શકે છે વિગતો

ભુજ : અહીંની જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવે છે, પરંતુ ઘણા દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી. સમયસર જમવાનું નથી મળતું. પરિવાર દ્વારા અપાતા પાર્સલ દર્દી સુધી પહોંચતા નથી. સારવારના અને અન્ય પ્રશ્નોની હારમાળા સર્જાઈ છે ત્યારે આવા કોઈ પણ પ્રશ્ન હોય તો હોસ્પિટલમાં ઉભા કરાયેલા હેલ્પ ડેસ્કનો ર૪ કલાક સંપર્ક કરી શકાશે. વિના સંકોચે લોકોને આ નંબરનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે. ભુજના પ્રાંત અધિકારી અને જી.કે. જનરલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડની જવાબદારી સંભાળતા મનિષ ગુરવાણીએ જણાવ્યું કે, હોસ્પિટલમાં દર્દી દાખલ હોય તો તેની સારવાર, ભોજનની બાબતો, સારવારની માહિતી મેળવવી હોય કે પાર્સલ પહોંચાડવું હોય તે સહિતના કામો માટે હેલ્પ ડેસ્ક ઉભું કરાયું છે, જેમાં નાયબ મામલતદાર, ક્લાર્ક, ટીચર તેમજ હોસ્પિટલ સ્ટાફને પણ જવાબદારી અપાઈ છે. કોઈપણ વ્યક્તિ હેલ્પ ડેસ્કના નંબર ૬૩પ૯૦ ૬૦૯૬૪ અને ૮૯૮૦૮ ૦ર૯૧૦ પર સંપર્ક કરી વિગતો મેળવી શકે છે. સ્વજનો તરફથી આવતી ફરિયાદોનો ઉકેલ પણ લાવવામાં આવ્યો છે.
વધુમાં તેમણે કહ્યું કે, ભુજ શહેર અને તાલુકામાં જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા માસ્ક સહિતના નિયમોની કડક અમલવારી કરાવાય છે ત્યારે લોકોએ પણ એસએમએસનું પાલન કરી તંત્રને સહકાર આપવો તેમજ વેક્સિન મેળવવા પર ભાર મૂક્યો હતો. હાલ કોરોના મહામારી વ્યાપક પ્રમાણમાં વધી ગઈ છે ત્યારે એસએમએસનો પ્રજા કડક અમલ કરે તો આ મહામારીથી ગત વર્ષની જેમ છૂટકારો મેળવી શકાશે.