જી.એલ.એગ્રોમાંથી ચોરેલી ખસખસ તેમના મજૂરોની ટોળકીએ જ કરીનું ખુલ્યું

(જી.એન.એસ), ઊંઝા, ઉનાવા શનિદેવ મંદિરની બાજુમાં આવેલી ઊંઝાના નગરસેવક પટેલ દીક્ષિત ધનજીભાઈની જી.એલ. એગ્રો કોર્પોરેશન (પ્રેમદીપ ફેક્ટરી)માંથી ૨૮ ઓગસ્ટની રાત્રે બીજા માળની બારીની ગ્રીલ કાપી રૂ.૩.૨૦ લાખની ખસખસની થયેલી ચોરીનો ભેદ સ્થાનિક પોલીસે બે દિવસમાં ઉકેલી ૫ને ઝડપી લીધા છે. જ્યારે એક શખ્સ હજુ ફરાર છે.ઉનાવા પીએસઆઈ ભાવનાબેન ડાભાણી તેમજ હે.કો.નરેશભાઈ સહિતની ૨ ટીમો ચોરી અંગે હાથ ધરેલી તપાસમાં આજ ફેક્ટરીમાં કામ કરતો મૂળ રાજસ્થાન નારોલીનો મજૂર ક્રિષ્ના સુજાણભાઈ ઠાકોર મુખ્ય સૂત્રધાર હોવાનું અને તેણે આજ ફેક્ટરીમાં પહેલાં કામ કરતા ઉનાવા અને જેતલવાસણાના શખ્સો સાથે મળી ચોરી કરી હોવાનું તેમજ ચોરેલ ખસખસની ૫ બોરી ગામઠી હોટલની સામે અને એસ્સાર પેટ્રોલપંપની પાછળ દોઢ કિમી દૂર ઝાડીમાં સંતાડી હોવાની બાતમી મળી હતી.જેને આધારે પોલીસે ફેક્ટરીના કર્મચારી ક્રિષ્ના ઠાકોર અને આકાશ ઠાકોરને ઝડપી પૂછપરછ કરતાં તેમણે ચોરીની કબૂલાત કરતાં પોલીસે ૫ શખ્સોની અટકાયત કરી રૂ.૩.૨૦ લાખનો ૨૦૦ કિલો ખસખસનો જથ્થો, કટર, દોરડું, આંકડો, ૫ મોબાઈલ જપ્ત કર્યા હતા. જ્યારે ફરાર આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.