જીયુવીએનએલની મેગા ડ્રાઈવ ભુજ સર્કલમાંથી ૮૩.૯૪ લાખની વીજચોરી ઝડપાઈ : પૂર્વ કચ્છ પર તવાઈનો ઘડાયો તખ્તો

વીજ તંંત્રના સંયુક્ત ઓપરેશનમાં ૪૮૧પ કનેક્શનો થયા ચેક : ૬૧પ જોડાણોમાં સામે આવી ગેરરીતિ : અંજાર સર્કલ હેઠળના ડિવિઝનો – સબડિવિઝનોમાં પણ વીજચોરીનું દુષણ હોઈ આજ પ્રકારની ઝુંબેશ ધરાશે હાથ

ભુજ : પીજીવીસીએલ ભુજ સર્કલમાં સમાવિષ્ટ વિસ્તારોમાં વીજચોરીના ઉંચકાયેલા દુષણને પગલે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરાઈ હતી. ભુજ-નખત્રાણા ડિવિઝનમાં ચેકીંગ કામગીરી દરમ્યાન અધધ ૮૩.૯૪ લાખની વીજચોરી ઝડપાઈ હતી. વીજ તંત્રની કામગીરીના પગલે વીજચોરોના પગ તળેથી રીતસરથી જમીન ખસકી ગઈ હતી ત્યારે હવે પૂર્વ કચ્છમાં પણ તવાઈ બોલાવવાનો તખ્તો ઘડાઈ ચૂક્યોે છે.
બાકીદારો બાદ વીજચોરો વીજ તંત્ર માટે માથાના દુઃખાવા સમાન તેમજ તિજોરીને ધુમ્બો લાગવા માટે કારણભૂત બની રહ્યા છે.
માર્ચ માસ દરમ્યાન કરોડોના બાકી વીજ બિલોની વસૂલાત માટે અંજાર તેમજ ભુજ સર્કલમાં ખાસ વસૂલાત ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેના પગલે વીજ તંત્રની તિઝોરી નાણાંથી છલકાઈ ગઈ હતી. માર્ચ માસ પૂર્ણ થયા બાદ એપ્રિલના મધ્યાહનથી વીજચોરોને પણ સાણસામાં લેવાનું ફૂલપ્રુફ આયોજન ઘડી કઢાતા ભુજ સર્કલમાં જીયુવીએનએલ દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરાઈ હતી.
ભુજ શહેર, ભુજ રૂરલ, રવાપર, કોઠારા, ખાવડા, કુકમા, માધાપરમાં ચેકીંગ ટીમો દ્વારા ગત સપ્તાહે સપાટો બોલાવાયો હતો. કુલ ચેક કરાયેલા ૪૮૧પ કનેક્શનો પૈકી ૬૧પ કનેક્શનોમાંથી ૮૩.૯૪ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. વીજ તંંત્રની કામગીરીના પગલે વીજચોરોમાં પણ રીતસરનો હડકંપ મચી ગયો છે, તો લાંબા સમય બાદ ભુજ સર્કલમાંથી આટલી મોટી રકમની વીજચોરી ઝડપવામાં સફળતા પ્રાપ્ત થઈ છે ત્યારે હવે અંજાર સર્કલમાં પણ આજ પ્રકારનું મેગા ઓપરેશન હાથ ધરવાનું આયોજન ઘડાઈ રહ્યું છે, જેમાં વીજચોરી માટે કુખ્યાત વાગડ પંથક ચેકીંગ ટીમોના નિશાને રહેશે.