જીપીએસસી પરીક્ષા : કચ્છમાં પ્રથમ પેપરમાં ૧૬૬૦ ઉમેદવારો રહ્યા હાજર

જિલ્લામાં ૩૭ર૬ ઉમેદવારોની થઈ હતી નોંધણી : ૧પ બિલ્ડિંગના ૧પ૬ બ્લોકમાં પરીક્ષા માટે ઉભી કરાઈ વ્યવસ્થા

ભુજ : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહિવટી સેવા વર્ગ -૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને ર તથા ગુજરાત નગરપાલિયા મુખ્ય અધિકારી સેવા વર્ગ-રની જગ્યાઓ પર ભરતી માટે આજે પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બે સેશનમાં આયોજીત આ પરીક્ષામાં પ્રથમ પેપરમાં કચ્છ જિલ્લામાં ૧૬૬૦ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગેની વિગતો મુજબ ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા માટે ભુજની ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ,માતૃછાયા કન્યા વિદ્યાલય, કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર, વી.ડી. હાઈસ્કૂલ, જૈનાચાર્ય અજરામરજી ઉ.મા. શાળા, આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય, મા આશાપુરા અંગ્રેજી હાઈસ્કૂલ, ચાણ્કય એકેડમી, સંસ્કાર સ્કૂલ, ધી મુસ્લિમ એજ્યુકેશન સ્કૂલના ૧પ૬ બ્લોકમાંં ૩૭ર૬ ઉમેદવારો માટે પરીક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સવારના પ્રથમ સેશનમાં સામાન્ય અભ્યાસ-૧ વિષયની પરીક્ષા યોજાઈ હતી. જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાનદાસ પ્રજાપતિએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત જાહેર સેવા આયોગની વહિવટી સેવા વર્ગ ૧-રની પરીક્ષા કચ્છના ૧પ સેન્ટરો પર શાંતિપૂર્ણ માહોલમાં કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે યોજાઈ રહી છે. જિલ્લામાં કુલ ૩૭ર૬ ઉમેદવારો નાધાયેલા છે, જેમાં પ્રથમ સેશનમાં ૧૬૬૦ ઉમેદવારો હાજર રહ્યા હતા અને ર૦૬૬ ગેરહાજર રહ્યા હતા.