જીએસટી રિટર્નમાં અત્યંત ઓછો વેપાર બતાડી કર બચાવનારાઓ ઉપર હવે સરકારની લાલ આંખ

નવી દિલ્હી : જીએસટી રિટર્નમાં અત્યંત ઓછો વેપારી બતાડી કર બચાવનારા ઉપર હવે સરકારે ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. નાણા મંત્રાલય ટુંક સમયમાં જીએસટી રિટર્નમાં બતાડવામાં આવેલા ટર્નઓવર અને આયકર વિભાગ પાસે વર્તમાન કમાણીના આંકડાનું મેળવણુ શરૂ કરનાર છે કે જેથી કરચોરી રોકી વસુલાત વધારી શકાય. નાણા મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ છે કે આ કવાયત નાણાકીય વર્ષ-ર૦૧૮-૧૯ના બીજા ત્રિમાસિક ગાળાથી શરૂ કરવામાં આવશે. જેનો હેતુ જીએસટી હેઠળ કર વસુલાતને દર મહિને એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનો છે. અધિકારીએ સંકેત આપ્યો છે કે સરકારની પ્રાથમિકતા હવે કમાણી અને વેપારના ડેટાનું મેચીંગ કરવુ અને ઇ-વે બિલને વહેલામાં વહેલી તકે લાગુ કરવુ. તેમણે કહ્યુ છે કે જીએસટી રિટર્ન ભરવાની વ્યવસ્થા સ્થિર થયા બાદ નવા નાણાકીય વર્ષથી ડાયરેકટરેટ જનરલ ઓફ એનાલીટીકસ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ તપાસનું કામ શરૂ કરશે. જીએસટી રિટર્નનું આયકર રિટર્નના ડેટાબેઝ સાથે મેચીંગ કરવામાં આવશે. અધિકારીએ કહ્યુ હતુ કે, જો નાણા મંત્રાલયની એજન્સીઓ યોગ્ય રીતે તપાસ કરે તો કરની વસુલાત વધી શકે છે. હાલ એક રાજયમાંથી બીજા રાજયમાં સામાનની અવર-જવર ઉપર યોગ્ય નજર રાખી શકાતી નથી અને ઇ-વે બિલ સ્ટોક અને ઉપભોગ ઉપર નજર રાખી તેની ખામીઓને દુર કરી શકશે. ઇ-વે બિલ ૧૦ કિ.મી.થી વધુનું અંતર અને પ૦,૦૦૦ રૂ.થી વધુ કિંમતના સામાનની અવર-જવર માટે જરૂર બનશે. અધિકારીએ જણાવ્યુ હતુ કે, જીએસટી વ્યવસ્થા સ્થિર થયા બાદ મહેસુલ વિભાગની ગુપ્તચર એજન્સીઓ ડેટાનું યોગ્ય રીતે મેળવણુ કરી ટેકસ ચોરો વિરૂધ્ધ આકરી કાર્યવાહી કરી શકશે. પાંચ લાખ કંપનીઓએ વર્ષે પ લાખથી ઓછુ ટર્નઓવર બતાડયુ છે અને જેને કારણે શંકા ગઇ છે. સરકારે ર૦૧૮-૧૯માં જીએસટીથી ૭.૪૪ લાખ કરોડ મેળવવાનું લક્ષ્યાંક રાખ્યુ છે.