જીએસટી નેટવર્ક કોલેપ્સ : રિટર્ન ફાઇલ કરવામાં અંધાધુંધી

નવી દિલ્‍હી : જીએસટીનું પ્રથમ રિટર્ન દાખલ કરતી વખતે વેપારીઓને જીએસટી નેટવર્ક પોર્ટલ ઉપર અનેક પ્રકારની મુશ્‍કેલીઓ આવી રહી છે. આને લઇને સુપ્રસિધ્‍ધ અર્થશાષા અને ભાજપના રાજયસભાના સભ્‍ય સુબ્રમણ્‍યમ સ્‍વામીએ સરકાર ઉપર નિશાન સાધતા ટવીટ્‌‍ કર્યુ છે કે, મેં જયારે આ બાબતને લઇને ચેતવ્‍યા હતા ત્‍યારે મારી કોઇએ વાત સાંભળી ન હતી. સ્‍વામીએ આ ટવીટ્‌‍માં પોતાની ચેતવણીથી સંબંધિત એક ખબર પણ નાખી છે. જેમાં જીએસટીએનની મુશ્‍કેલીઓને રેખાંકિત કરતા કહ્યુ છે કે, સરકારે હવે આ પોર્ટલ પ્રાઇવેટ કંપનીઓ પાસેથી છીનવી તેને કેન્‍દ્રીય ઉત્‍પાદ અને સીમા શુલ્‍ક બોર્ડ (સીબીઇસી)ના હવાલે કરી દેવુ જોઇએ. જીએસટી લાગુ થયા બાદ જુલાઇ મહિના માટે પ્રથમ રિટર્ન દાખલ કરવામાં વેપારીઓને ઘણી બધી મુશ્‍કેલીઓનો સામનો કરવો પડયો છે. કોન્‍ફેડરેશન ઓફ ઓલ ઇન્‍ડિયા ટ્રેડર્સે દાવો કર્યો છે કે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ સુધી જીએસટી પોર્ટલમાં મુશ્‍કેલીઓ આવતી રહી હતી. બાદમાં જણાવાયુ છે કે જીએસટીઆર-૩બી રિટર્ન દાખલ કરતી વખતે જીએસટીએનના સોફટવેરમાં ટેકનીકલ ખામીઓ હતી તે પછી જીએસટીઆર-૧ માટે રિટર્ન દાખલ કરવાની તારીખને ૩૧ જુલાઇથી વધારીને ૧૦ સપ્‍ટેમ્‍બર કરવામાં આવી હતી. જો કે પછી પણ ચલણ અપલોડ કરવામાં ભારે ધાંધણ ધમાલ થઇ હતી. તે પછી જીએસટી પરિષદે રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખને એક મહિનો લંબાવી ૧૦ ઓકટોબર કરી હતી. મહેસુલી સચિવ હસમુખ અઢીયાએ કહ્યુ હતુ કે, ૧૦૦ કરોડ રૂપિયાથી વધુનો કારોબાર કરનાર કંપનીઓ માટે જીએસટીઆર-૧ દાખલ કરવાની છેલ્લી તારીખ ૩ ઓકટોબર રહેશે. જયારે બાકી માટે આ તારીખ ૧૦ ઓકટોબર રહેશે.કોન્‍ફેડરેશને કહ્યુ છે કે, પોર્ટલનું ઉંડુ ટેકનીકલ ઓડીટ થવુ જોઇએ. જેનાથી આ પોર્ટલ સામાન્‍ય રીતે કામ કરી શકે. જો ટેકનીકલ મોરચે આ પ્રકારની મુશ્‍કેલીઓનો સીલસીલો ચાલુ રહે તો વેપારીઓને મુશ્‍કેલી પડશે એટલુ જ સરકારને પણ આવક ગુમાવવી પડશે કારણ કે સરકારની આવક ઘણી હદ સુધી પોર્ટલના સફળ સંચાલન ઉપર નિર્ભર છે.આ દરમિયાન પ.બંગાળના નાણામંત્રી અમિત મિત્રાએ કહ્યુ છે કે જીએસટીએને દાવો કર્યો હતો કે તે ૩ અબજ ચલણ સંભાળી શકે છે પરંતુ તેમાં પાછલા દિવસોમાં રિટર્ન ભરવામાં જે મુશ્‍કેલીઓ આવી તે જણાવે છે કે જીએસટીને ઉતાવળે લાગુ કરેલ છે.