જીએસટી અને ટીડીએસ રીટર્ન ભરવાની મુદ્દતમાં સરકાર કરે વધારો

સંક્રમણનો વ્યાપ ભયાનક સ્તરે વધતા તમામ વર્ગના લોકો થઈ રહ્યા છે સક્રમીત : ગત વર્ષે તંત્ર દ્વારા રિટર્ન ભરવાની મુદ્દતમાં કર્યો હતો વધારો, આ વર્ષે પણ સમયગાળો વધારવા માંગ

ભુજ : સમગ્ર કચ્છ જિલ્લા તેમજ રાજ્ય અને દેશમાં કોરોના વાયરસના કેસો ભયાનક સ્થિતિમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે. દેશમાં દરરોજ લાખો લોકો બિમારીથી સંક્રમીત થઈ રહ્યા છે. હજારો લોકોને કાળમુખો કોરોના ભરખી ગયો છે. અર્થવ્યવસ્થા આ બિમારી ડામાડોળ કરી નાખી છે, આવા સમયે જીએસટી અને ડીટીએસ રીટર્ન ભરવાની મુદ્દતમાં ગત વર્ષની જેમ વધારો કરવામાં આવે તેવી માંગણી લોક વર્ગમાંથી ઉઠવા પામી છે. સરકારે અધિકારી અને કર્મચારીઓને આપેલા એસ્સમેન્ટમાં એકટેશન કર્યું છે તે વેપારીઓને પણ લાભ અપાય તેવી માંગ ઉઠવા પામી છે.હાલના સંજોગોમાં તમામ વર્ગના લોકો સંક્રમીત થઈ રહ્યા છે. વાત કરીએ વેપારીઓ, સીએ, ઉદ્યોગગૃહોમાં કાર્યરત અધિકારી – કર્મચારીઓ બિમારીનો શિકાર બની રહ્યા છે. જે વ્યક્તિ સાંજે આપણી ભેગો હોય સવારે તેને પોઝિટીવ હોવાના સમાચાર રોજિંદા બન્યા છે. કોરોના થયા બાદ પણ રીકવરીમાં પખવાડિયા જેટલો સમય લાગે છે, ઉપરાંત મહિના સુધી તે વ્યક્તિ ઘરની બહાર જઈ શકતો નથી. પરિવાર પણ તેની ચિંતામાં હોય છે, આવા સંજોગોમાં જે લોકો જીએસટી અને ડીટીએસ રીટર્ન ભરે છે તેઓ કઈ રીતે સરકારમાં રકમ જમા કરાવે તે સવાલ ઉઠી રહ્યો છે. જો મોડેથી રીટર્ન ફાઈલ થાય તો પેનલ્ટી પણ ભરવી પડે છે. જીએસટીના ચુકવણામાં પણ આવી જ હાલત છે. લોકોને ધંધા રોજગાર મળતા નથી. કંપનીઓમાં કાચો માલ તેમજ આર્થિક વ્યવસ્થા ખાડે બેસી જતાં કર્મચારીઓના પગાર પણ થતા નથી. આવા સંજોગોમાં કેન્દ્ર સરકારે માનવીય અભિગમ દાખવી સમગ્ર દેશમાં રિટર્નમાં માફી નહીં પરંતુ સમયગાળો વધારવાની દિશામાં તો પગલાં તાત્કાલિક લેવા જોઈએ. આ માંગણી લોકહિતમાં ઉઠવા પામી છે.