જીએસટીમાં રિફંડની અરજી નામંજૂર કરવાના કિસ્સા વધ્યા

આવક કરતા વધુ રિફંડ ન ચુકવવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘટકના અધિકારીઓને ઠપકો મળતા નવા કિમિયા અજમાવતા બાબુઓ : નાની નાની બાબતોની પણ ખામી કાઢીને નોટિસ અપાતા વેપારીઓની પરેશાની વધી

ભુજ : નિયમ પ્રમાણે રિફંડ આપવાનું હોવા છતાં અધિકારીઓ દ્વારા રિફંડની અરજી નામંજૂર કરવાના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે. તે માટે એવી હકીકત જાણવા મળી છે કે સ્ટેટ જીએસટીના ઘટકની આવકથી વધુ રિફંડ ચૂકવવામાં આવ્યું તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેને ઠપકો આપવાની સાથે તપાસ પણ કરવામાં આવતી હોય છે. તેના કારણે રિફંડની અરજી વધુ ને વધુ રદ્‌ કરવાના કિસ્સામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે, તેના લીધે વેપારીઓની પરેશાની પણ વધી છે.

આ અંગેની વિગતો મુજબ સ્ટેટ જીએસટીમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા એવો મૌખિક ફતવો જાહેર કરવામાં આવ્યો છે કે જે ઘટકની જેટલી આવક હોય તેના કરતાં કોઇએ પણ વધારાનું રિફંડ ચૂકવવું નહીં. જાે ચૂકવવામાં આવશે તો વધુ રિફંડ ચૂકવનાર સામે કાર્યવાહી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. તેના લીધે અધિકારીઓ દ્વારા રિફંડની અરજી મંજૂર કરવામાં નાની નાની બાબતોની પણ ખામી કાઢીને નોટિસ આપતા હોય છે, કારણ કે ઉચ્ચ અધિકારીઓનો ઠપકો સાંભળવાના બદલે વેપારીઓની રિફંડ અરજી નામંજૂર કરવામાં આવે તો વેપારીઓ જુજ જ કિસ્સામાં અપીલમાં જતો હોય છે. તેના કારણે અધિકારીઓ હવે વેપારીઓને પરેશાન કરતા થયા છે. જાેકે જીએસટીના કાયદામાં કરવામાં આવેલી તમામ જાેગવાઇ પ્રમાણે રિફંડ આપવાનું હોવા છતાં હવે નવો રસ્તો શોધીને રિફંડ અટકાવવામાં આવી રહ્યા હોવાની વિગતો જાણવા મળી છે.

દિવાળીના તહેવાર આવે ત્યારે વેપારી વેપાર કરે સરકારી કચેરીમાં આટા ફેરા કરે. કોરા કાળમાં સૌથી વધુ નુકશાન વેપારીઓને આવ્યો છે. હાલ જ્યારે કેરોના કેસો ઘટયા છે ત્યારે સરકારી તંત્ર પણ વેપારીઓને સહયોગ આપે તે હિતાવહ છે.

૧થી ૩ લાખના રિફંડ નહીં આપવાની અધિકારીઓને મોડસ ઓપરેન્ડી

ભુજ : વેપારીઓ દ્વારા એકથી ત્રણ લાખ રૂપિયાના રિફંડ આપવામાં નહીં આવે અથવા તો વખતો વખત અરજી કર્યા બાદ તેની અરજી નામજૂર કરવામાં આવે તો વેપારી અપીલમાં જતો જ નથી, તે માટેનું કારણ એવું છે કે વેપારી દ્વારા અપીલમાં જાય તો તેના માટે ઓછામાં ઓછો ૨૫ હજારનો ખર્ચ કરવો પડે. તેમજ અપીલની સુનાવણી હોય ત્યારે હાજર પણ રહેવું પડતું હોય છે. તેના લીધે વેપારી સમય બગાડીને પણ ત્યાં જવા કરતા રિફંડ જતું કરતા હોવાની હકીકતો જાણવા મળી છે. આવા જ કારણોસર અધિકારીઓને પણ એક લાખથી લઇને ત્રણ લાખની રકમના રિફંડની અરજી વધુ ને વધુ સંખ્યામાં નામંજૂર કરવામાં આવી રહી હોવાની વિગતો જાણવા મળી છે.

રિફંડની ઝંઝટ દૂર કરવા માટેના પ્રયાસ થાય તો જ વેપારીઓની સમસ્યાનું હલ થાય

 ભુજ : જીએસટી લાગુ થયા બાદ એક પછી એક પરેશાનીનો સામનો વેપારીઓ કરી રહ્યા છે. તેના કારણે જ વેપારીઓએ આંદોલન કરવાની ફરજ પડી હતી. જ્યારે હજુ પણ વીવર્સોને ક્રેડિટ કેરી ફોરવર્ડની સમસ્યા યથાવત છે. જ્યારે છેલ્લા બેથી ત્રણ મહિનામાં રિફંડ ઝડપથી મંજૂર નહીં કરવાના કારણે વેપારીઓની પરેશાનીમાં વધારો થવાની સાથે સાથે વેપાર બંધ કરવાની સ્થિતિ સર્જાઇ છે. કારણ કે રિફંડ છુટું નહીં થવાના લીધે રોકાણમાં સતત વધારો થઇ રહ્યો છે. તેની સામે વળતર ઓછું મળવાના કારણે આખરે વેપાર બંધ કરવાની નોબત પણ આવીને ઊભી રહે છે. જેથી આ સમસ્યાના નિરાકરણ માટે તાકીદે પગલા ભરવામાં આવે તે ખુબ જ જરૂરી છે.