જીએસટીઆર-૧ની સમયમર્યાદા પૂરીઃ હવે રોજ રૂ. ૨૦૦ પેનલ્ટી

પોર્ટલની સમસ્યા યથાવત રહી હોવાથી અનેક વેપારીઓ જીએસટીઆર-૧ ભરી શકયા નથી

અમદાવાદ : જીએસટી પોર્ટલની સમસ્યાઓ વચ્ચે બુધવારે જીએસટીઆર-૧ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ હતી અને તેની સમયમર્યાદા વધી હોવાનું ફેક નોટિફિકેશન સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સરકારે મોડી સાંજે સ્પષ્ટતા કરી હતી કે આ રિટર્ન ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી નથી. રિટર્ન નહીં ભર્યું હોય તેવા વેપારીઓએ હવે પ્રતિ દિવસ રૂ. ૨૦૦ પેનલ્ટી ભરવી પડશે. રૂ.૧.૫૦ કરોડથી વધારે ટર્નઓવર ધરાવતા
વેપારીઓ માટે જુલાઈ-નવેમ્બરના માસિક અને તેનાથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે સપ્ટેમ્બર સુધીના ત્રિમાસિક જીએસટીઆર-૧ ભરવાની છેલ્લી તારીખ અગાઉ ૩૧ ડિસેમ્બર હતી તે વધારીને ૧૦ જાન્યુઆરી કરી હતી. બુધવારે એક ફેક નોટિફિકેશન વાઇરલ થયું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે રિટર્નની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. જોકે, સરકારે મોડી સાંજે સ્પષ્ટતા કરી હતી કે ૧૦ જાન્યુઆરી જ છેલ્લી તારીખ છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જીએસટીઆર-૧ રિટર્ન એ કોઈ પણ વેપારીએ કરેલા વેચાણની વિગતોનું વિગતવાર રિટર્ન છે અને જે-તે વેપારીએ દરેક વેચાણના ઈનવોઇસ સહિત તે ભરવાનું રહે છે. જીએસટીઆર-૩બી સમરી રિટર્ન ભર્યા બાદ આ રિટર્ન ભરવાની જવાબદારી આવે છે.
જોકે, પોર્ટલની સમસ્યા યથાવત રહી છે અને જે વેપારીઓ જીએસટીઆર-૧ ભરી શકયા નથી તેમણે સીજીએસટી અને એસજીએસટી પ્રત્યેક માટે પ્રતિ દિવસ કુલ રૂ.૨૦૦ પેનલ્ટી ભરવાની રહેશે.