જીઆરડીના બોગસ આઇકાર્ડ બનાવવાનો પર્દાફાશઃ સાત લોકોની ધરપકડ

(જી.એન.એસ.)અમદાવાદ,જીઆરડીના બોગસ આઇકાર્ડ બનાવીને નોકરી કરતી ગેંગનો પર્દાફાશ થતા કુલ સાત લોકોની અસલાલી પોલીસે ધરપકડ કરી છે. ઘરપકડ કરાયેલી ગેંગે લાલ દરવાજા ખાતે આવેલી હોમગાર્ડની ઓફિસમાં કામ કરતા એક કર્મચારી મારફતે જીઆરડી (ગ્રામ્ય રક્ષક દળ)ના બોગસ કાર્ડ બનાવી દીધા હોવાનો ધટકસ્ફોટ થયો છે. અમદાવાદ ગ્રામ્યમાં જીઆઇડીના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જાલુસિંહ ચૌહાણે અસલાલી પોલીસ સ્ટેશનમાં સુનિલ પરમાર, વિશાલ પરમાર, હાર્દિક પરમાર, મહેશ પરમાર, જશવંત મકવાણા, મનિષ પ્રજાપતિ, જીતુ અને અમિત રાવલ વિરુદ્ધ ફરિયાદ કરી છે. પોલીસને આશંકા છે કે આ લોકોએ બનાવટી આઈકાર્ડના આધારે નોકરી કરીને અનેક લોકો પાસેથી તોડ કર્યો હોઈ શકે છે.જાલુસિંહ ચૌહાણ પાંચમી જુલાઇના રોજ બળિયાદેવના મંદિર રવિવારના મેળાનો બંદોબસ્ત હોવાથી જીઆરડી જવાનોને ચેક કરવા માટે ગયા હતા. આ દરમિયાન તેઓને જાણવા મળ્યું હતું કે, અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરજ પર આવતા કેટલાક જીઆરડીના જવાનો બોગસ કાર્ડ બનાવીને આવી રહ્યા છે. જે આધારે નાઈટ રાઉન્ડમાં પેટ્રોલિંગમાં નીકળીને જીઆરડીના યુનિફોર્મમાં હજાર ચારેય ઈસમોની પૂછપરછ કરી તેમના આઇ કાર્ડ તપાસતા તે બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું.આરોપીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમણે આ કાર્ડ વટવાના જસવંત મકવાણા, વિવેકાનંદનગરના રહેવાસી મનીષ પ્રજાપતિની મદદથી સાણંદના અમિત રાવલ પાસે બનાવ્યા છે. અમિત રાવલ અગાઉ લાલ દરવાજા ગ્રામ્ય રક્ષક દળની ઓફિસમાં નોકરી કરતો હતો. આરોપીઓએ આ આઇ કાર્ડ રૂપિયા ૧૫ હજારમાં બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આઇકાર્ડ નંબરના આધારે કૌભાંડનો પર્દાફાશ થયો છે. આઇકાર્ડ ઉપર લખેલા નંબરના આધારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.