જિલ્લા વ્યાપી તવાઈના પગલે બોગસ તબીબોના શટર ડાઉન

અંજાર, ગાંધીધામમાં પરપ્રાંતિયોની સારવાર કરતા બંગાળી ઉંટવૈદો પાંજરે પુરાયા બાદ અન્ય તાલુકાઓમાં ઉંટવૈદોમાં વ્યાપી ગયો ફફડાટ : એકલ – દોકલના બદલે સામૂહિક ટીમો બનાવી કાર્યવાહી થાય તો જ મળે સફળતા : હાલની કાર્યવાહી પાશેરામાં પુરી સમાન : અગાઉ પણ બોગશ તબીબ ઝુંબેશ ચલાવવામાં આવી હતી જે પાછળ ઠંડી પડી ગઈ હતી આ વખતે શું થશે…?

ભુજ : કચ્છ સહિત રાજ્યમાં કોરોના મહામારીના કાળમાં બોગસ તબીબોનો રાફડો ફાટતા રાજયસ્તરેથી પોલીસવડાએ તમામ જિલ્લાઓમાં આવા ઉંટવૈદો સામે પગલા લેવા સુચના આપી છે, જે અન્વયે પૂર્વ કચ્છમાં અંજાર અને ગાંધીધામમાં બોગસ તબીબોને પોલીસે ઝડપી લીધા છે, જેથી અન્ય તાલુકાઓમાં બોગસ તબીબોમાં ફફડાટ ફેલાઈ જતા જિલ્લામાં એકાએક બોગસ તબીબોની હાટડી બંધ થઈ ગઈ છે, પરંતુ બે – ત્રણ સ્થળેઓએ દરોડા પાડી કાર્યવાહીનો ઓડકાર ખાવાને બદલે જિલ્લાવ્યાપી સામૂહિક ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવે તો જ સફળતા પ્રાપ્ત થાય છે. હાલના સંજાેગોમાં થતી કાર્યવાહી પાશેરામાં પુરી સમાન છે.

આ અંગેની વિગતો મુજબ ઔદ્યોગીક વિસ્તાર ગાંધીધામ, અંજાર અને મુંદરામાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયોની વસાહત છે. કંપનીઓ અને ફેકટરીઓમાં તેઓ કામ કરતા હોય છે. પ્રદુષણના કારણે અવારનવાર બિમાર તેમજ નાના બાળકોમાં રોગનું પ્રમાણ વધતું હોય છે. શહેરથી દૂર કંપનીમાં તેઓ કામ કરતા હોઈ આવા સમય સારવાર લેવા શહેરમાં જવું તેમના માટે પોષાય તેમ નથી, જેથી આ વિસ્તારમાં બોગસ તબીબો ફાટીને ફુલેકે ચડયા છે. તો ભચાઉ અને રાપર વિસ્તાર ભલે શહેરી હોય પરંતુ આજે પણ અહીં ગ્રામીણ જેવો માહોલ જાેવા મળે છે. આધુનિકતા વચ્ચે લોકો સસ્તી દવા લેવાનું આગ્રહ રાખતા હોઈ બોગસ તબીબોને મોકળું મેદાન મળે છે. જાગૃતતાના અભાવે લોકો પોતાના જીવને જાેખમમાં મુકી રહ્યા છે.

આ તરફ પશ્ચિમ કચ્છમાં માંડવી, નખત્રાણા, અબડાસ, લખપત સહિતના વિસ્તારો ગામડાઓથી વરેલા છે. સરકારી દવાખાનાઓમાં સ્ટાફ નથી, જયાં સ્ટાફ છે તેની સામે વિશ્વાસ નથી. પરિણામે આવા દર્દીઓને ભુજ સુધી લંબાવવું પડે છે જે અતિ ખર્ચાળ હોઈ નજીકના ગામડામાં હાટડીઓ ખોલીને બેસી જતા ઉંટવૈદો પાસેથી લોકોને દવા લેવી પડે છે. લોકોને ખબર ન પડે તે માટે આવા તબીબો પોતાના દવાખાના બહાર ડીગ્રીઓના પાટીયા, મુંબઈ કે અન્ય મહાનગરમાંથી શિક્ષણ મેળવ્યું હોવાની પ્રસિદ્ધિ કરી વિશ્વાસમાં લઈ લે છે. ઘણી વખત શરૂઆતના સમય નિઃશુલ્ક દવા આપી લોકોને વિશ્વાસમાં બંધાવી લેવાય છે. ભુજના ખાવડા અને બન્ની વિસ્તારમાં તો સરકારી દવાખાનાઓમાં સ્ટાફ જવા રાજી નથી. અંતરીયાળ અને દુર્ગમ વિસ્તાર હોવાથી અહીંયા કોઈ નોકરી કરવા રાજી નથી.

આ વિસ્તારમાં ચેકીંગ કરવા પણ કોઈ આવતું ન હોઈ મુન્નાભાઈઓને મોકળું મેદાન મળ્યું છે. જાે કે, રાજયમાં બોગસ તબીબો વધી જતા રાજ્ય પોલીસવડાએ મુન્નાભાઈ એમબીબીએસ પર સામુહિક તવાઈના આદેશ આપ્યા હતા. જે અનુસંધાને પૂર્વ કચ્છ પોલીસે ગાંધીધામ અને અંજારમાંથી ત્રણ બોગસ તબીબો ઝડપ્યા છે, જેઓ બંગાળના વતની હોવાનો સામે આવ્યું છે. જાે કે, પશ્ચિમ કચ્છમાં સમ ખાવા પુરતી પણ કામગીરી થઈ નથી. અધુરામાં પુરૂં આ જવાબદારી જેના શીરે છે તે આરોગ્ય વિભાગ પણ હરીફાઈમાં અંતિમ હોય તેમ કાર્યવાહીમાં કયાંય ડોકાયું નથી. આરોગ્ય વિભાગ પાસે કયા ગામમાં બોગસ તબીબ છે તેની વિગતો હોવા છતાં પણ ડોકટર ડોકટર ભાઈ ભાઈની નીતિ અપનાવી આરોગ્ય વિભાગે પોતાના કામનું ભારણ ઓછું થાય છે તેવું માની વિગતો હોવા છતાં કોઈ કાર્યવાહી કરી નથી તેવો ગણગણાટ પણ ઉઠી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બે – ત્રણ સ્થળોએ કાર્યવાહી બાદ જિલ્લામાં ધમધમતા બોગસ તબીબોના શટર એકાએક ડાઉન થઈ ગયા છે. જાે કે, આ મહાઝુંબેશમાં આરંભે સૂરા જેવો તાલ ન સર્જાય તે પણ જાેવું રહ્યું. અન્યથા બે – ત્રણ દિવસ દરોડા બાદ જૈસે થેની સ્થિતિ સર્જાઈ શકે છે.