જિલ્લા યુવા ભાજપના સુકાની મુદ્દે રાજકીય સળવળાટ તેજ : ટુંકમાં જાહેરાતની વકી

  • પ્રદેશ યુવા અધ્યક્ષ કોરાટની કચ્છ મુલાકાત સૂચક

લોહાણા, પટેલ અથવા વણીક સમાજના યુવા નેતા રેસમાં : હાલમાં જ કચ્છની મુલાકાતે આવેલા ડો. પ્રશાંત કોરાટે
પણ સ્થાનિક સમીકરણો, સક્ષમ ચહેરાઓ, જાતિ-જ્ઞાતિના પાસાઓ સહિતના મામલે માહિતીઓ કરી છે અંકે

મીતભાષી લુહાણા સમુદાયના યુવાનની લોટરી લાગવાના ઉજળા સંકેતો : રીપીટ થીયરી માટે વાયા બનાસકાંઠાથી ગાંધીનગર-કમલમ સુધી રાજકીય લોંબીગ કરાવાયા તેજ પણ પાટીલના ઉમરની મર્યાદાનો નિર્ણય રીપીટ થીયરીમાં બની શકે છે અવરોધરૂપ

ગાંધીધામ : કોરોનાની બીજી ઘાતક વેવની અસર હવે નહિવત સમાન દર્શાય છે ત્યારે વહીવટીતંત્રની સાથોસાથ રાજકીય જગત પણ તેમની પડતર રહેલી કાર્યવાહી-હલચલ તેજ બનાવી રહ્યુ હોવાના ઘટનાક્રમો આતંરીક રીતે કચ્છમાં પણ તેજ બની ગયા હોવાનો વર્તારો સામે આવવા પામી રહ્યો છે. કચ્છમાં પણ સંગઠનની દ્રષ્ટીએ હજુય અનેકવરણીઓ થવામાં બાકી છે. જેને લઈને આંતરીક સળવાળટ શરૂ થયો છે. જિલ્લા યુવા ભાજપના સુકાનીપદને લઈને પ્રક્રીયાઓ આંતરીક રીતે તેજ બની છે અને નજીકના સમયમાં જ આ પદની જાહેરાત કરી દેવામા આવે તેમ રાજકીય બેડામાં ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. આ મામલે સહેજ વિગતે વાત માંડીએ તો કચ્છ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ પદે હવે ગણતરીના દિવસોમાં પડદો ઉંચકાય તેવા સંકેતો સામે આવી રહ્યા છે.રાજકીય સુત્રના જણાવ્યા મુજબ હાલમાં કચ્છની મુલાકાતે આવેલા પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ ખાનગી રાહે ભુજ ખાતે અમુક યુવા નેતાની સાથે આ બાબતે વાતચીત કરતા સમગ્ર બાબતનો કયાશ કાઢતા લોહાણા તથા પટેલ તેમજ વણીક સહિતના યુવા નેતામાં એક નેતા ઉપર કળશ ઢોળાય તેવા ઉજ્જળા સંકેત છે. આ ત્રણે યુવા નેતામાંથી એક પ્રમુખ, બીજો ઉપપ્રમુખ તેમજ મહામંત્રીમાં પદ ઉપર બિરાજમાન થાય તેવા સંજોગો પણ છે.અલબત હજુ આખરી નામો પ્રદેશકક્ષાએ મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે, તેમાં લોહાણા સમાજના યુવા ભાજપના નામ આગળ છે તો પટેલ અને વણીક સમાજ યુવાન પણ રેસમાં છે. આ યુવાનોમાંથી એક પર કળશ ઢોળાય તેવા સંકેત છે, જયારે વર્તમાન પ્રમુખ રાહુલ ગોરની પસંદગી રિપીટ થવાને આડે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ૩પ વર્ષની મર્યાદા યુવા ટીમ માટે નક્કી કરી છે તે અવરોધ રૂપ બને તો નવી નવાઈ નહી.સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલની ડિઝાઈન મુજબ પણ પાટીલ સાહેબનો કડક નિયમ કે ૩પ વર્ષ ઉપરની કોઈ પણ વ્યક્તિ યુવા ભાજપમાં સમાવેશ કરવો નહીં, તેવા કડક નિયમોના કારણે રાહુલ ગોરની રિપીટ પદ્ધતિ ધુંધળી બની છે. તો પાટીદાર જ્ઞાતિના જિલ્લા ભાજપ પ્રમુખ છે, એટલે એ જ્ઞાતિની બાદબાકી થશે. જયારે અન્ય જ્ઞાતિના યુવાનો પર નજર દોડાવાઈ રહ્યા છે. મોવડી મંડળ પણ તે જ્ઞાતિના યુવાનોની અવાજ સંભળાય તેમ લાગતું નથી. તેમને અન્ય હોદ્દેદારોમાં સમાવેશની શક્યતાને બાંહેધરી અપાઈ છે. અલબત યુવા ભાજપના પ્રમુખ પદે લોહાણા સમુદાયને તક મળવાની શકયતાઓ વધુ ઉજળી મનાઈ રહી છે. ત્યારે બીજી જ્ઞાતિના યુવાનો પ્રયાસ કરવાનું માંડી વાળ્યું હોવાનો વર્તારો ખડો થયો છે. જાણકારો કહી રહ્યા છે કે, હાલના પ્રદેશ અને જિલ્લા કક્ષાના ભાજપના હોદ્દેદારાના નજીકના ગણાતા અને તેનો પરિવાર ભાજપને રંગે રંગાયો છે તે લોહાણા યુવાનને લોટરી લાગી જાય તો નવી નવાઈ નહી કહેવયા. આ તમામ ચર્ચાઓ રાજકીય ગલીયારાઓમાં ચાલી રહી છે, વિધીવત રીતે નજીકમાં જ એટલે કે આગામી સપ્તાહ સુધીમાં જ આ જાહેરાત થાય તેમ પણ મનાય છે.