જિલ્લા ભાજપની સંકલન બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ચર્ચા

રાજ્યમંત્રી, પક્ષના હોદ્દેદારો, જિલ્લાના ધારાસભ્યો, સાંસદની ઉપસ્થિતિમાં કરાઈ ચર્ચા- વિચારણા

 

ભુજ : જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે પક્ષ પ્રમુખ કેશુભાઈ પટેલ, તેમજ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપની સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં ખાસ તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોજાનાર ચૂંટણી સંદર્ભે ચર્ચા વિચારણા કરાઈ હતી.
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં આગામી ફેબ્રુઆરીમાં યોજાનાર ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં કચ્છ જિલ્લાની ૬૭ ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી તેમજ પાંચ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત ભચાઉ- રાપર નગરપાલિકાની ચૂંટણીને લઈને પક્ષના હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ ચર્ચા વિચારણાઓ કરી હતી. જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ભાજપનો ભગવો લહેરાય તે માટે કાર્યકરોની બ્રિગેડને સજ્જ કરવા મોવડી મંડળે ચર્ચા વિચારણા કરી હતી.
બેઠકમાં રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો નિમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ કૌશલ્યાબેન માધાપરિયા, કચ્છ જિલ્લાના પ્રભારી બિપિનભાઈ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, મહામંત્રીઓ શૈલેન્દ્રસિંહ જાડેજા, વલમજી હુંબલ સહિતના હોદ્દેદારો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.