જિલ્લા પંચાયત ખાતે પાંચ પશુ ચિકિત્સા અધિકારી, પાંચ એટેન્ડન્ટ તેમજ ૨૦ જેટલા કુત્રિમ બીજદાન કાર્યકરોને નિમણુંક પત્ર એનાયત કરાયા

DMF-PMKKKY પશુપાલન શાખા-કચ્છ અંતર્ગત જિલ્લાના ૧૦ કેન્દ્રો ખાતે મોબાઇલ પશુ દવાખાના અને પ૦ કૃત્રિમ બીજદાન કેન્દ્ર મંજુર થયા

સારા ચોમાસાઓ અને ડેરીઉદ્યોગનાં વિકાસ સાથે પશુપાલન પ્રધાન ગ્રામ્ય કચ્છનાં પશુપાલકો તેમના પશુઓની સારવાર માટે વધુ જાગૃત બન્યા છે. કચ્છ જીલ્લાનાં વિવિધ વિસ્તારોમાંથી માંથી પશુ સારવાર અંગેની સુવિધાઓ માટે અવારનવાર માંગણીઓ આવતી રહે છે.ત્યારે પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના – ડિસ્ટ્રીક્ટ મીનરલ ફાઉન્ડેશન (DMF-PMKKKY) અંતર્ગત પશુપાલન શાખા, જીલ્લા પંચાયત, કચ્છની યોજના સઘન પશુ સારવાર અને કૃત્રીમ બીજદાન કામગીરી હેઠળ હંગામી સ્ટાફ, વાહન, દવાઓ અને નિભાવણીનું કામ જીલ્લા આયોજન કચેરી દ્વારા મંજુર થયેલ છે. આ કામ અંતર્ગત કચ્છ જીલ્લાનાં કુલ – ૧૦ કેન્દ્રો ખાતે મોબાઇલ પશુદવાખાના અને ૫૦ કૃત્રીમ બીજદાન કેન્દ્રો મંજુર થયેલ છે. જે માટે હાલ કુલ – ૦૫(પાંચ) પશુચિકિત્સા અધિકારી, ૦૫(પાંચ) એટેન્ડન્ટ-કમ-ડ્રેસર તેમજ ૨૦ જેટલા કૃત્રીમ બીજદાન કાર્યકરોને હંગામી ભરતીથી કરાર આધારીત નિમણુંક આપવા માટેના નિમણુંકપત્ર વિતરણ કાર્યક્રમ જીલ્લા પંચાયત ખાતે આજ રોજ તા.૨૯/૦૭/૨૦૨૧ નાં રોજ યોજાયો હતો.

આ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી શ્રીમતિ પારૂલબેન કારા અને જીલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા તેમજ અન્ય અધિકારીશ્રીઓનાં હસ્તે નિમણુંક પત્રોનું વિતરણ કરવામાં આવેલ હતું. તથા નિમણુંક પામનાર સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી. વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકશ્રી, અમદાવાદ ડૉ, કે.જી.બ્રહ્મક્ષત્રી, વિભાર્ગીય સંયુક્ત પશુપાલન નિયામકશ્રી, રાજકોટ ડૉ. બી.એલ.ગોહિલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(પંચાયત) શ્રી જી.જે.પ્રજાપતિ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(મહેકમ) શ્રી આસ્થા કે સોલંકીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

નાયબ પશુપાલન નિયામકશ્રી, પશુપાલન શાખા, જિ. પં.,-કચ્છ ડૉ. એચ.એમ.ઠક્કર દ્વારા સમગ્ર કાર્યક્રમની પૂર્વભૂમિકા જણાવી અગાઉના તબક્કામાં આ યોજના હેઠળ થયેલ કામગીરીની વિસ્તૃત માહિતી જણાવી હતી. તેમજ આ કામ અંતર્ગત કરાર આધારીત નિમણુંક પામેલ તમામ સ્ટાફને તેમને બજાવવાની થતી કામગીરી બાબતે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમજ તમામ કાર્યકરો દ્વારા પરીણામ લક્ષી કામગીરી કરવામાં આવે તે બાબત ઉપર ભાર મુક્યો હતો.

આ યોજના અંતર્ગત શરૂ થયેલ મોબાઇલ પશુ દવાખાનાઓ દ્વારા તેમના રૂટના નિયત ગામોમાં પશુ-આરોગ્ય વિષયક સેવાઓ નિઃશુલ્ક પુરી પાડવામાં આવશે તેમજ કૃત્રીમ બીજદાન કાર્યકરો દ્વારા શુધ્ધ તેમજ સંકર કૃત્રીમ બીજદાનની કામગીરી ઉપરાંત ઈઅર ટેગિંગ, પશુ રસીકરણ તેમજ ખસીકરણ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કચ્છ જીલ્લામાં વિશાળ પશુધનની સંખ્યા સામે પશુપાલનનો સ્ટાફ ઘણો ઓછો હોઇ આ યોજના મારફતે જીલ્લાના છેવાડાના ગામોમાં મહત્તમ પશુ આરોગ્ય અને કૃત્રીમ બીજદાનની સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવો આ યોજના પાછળનો આશય રહેલો છે.

 કાર્યક્રમમાં ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાનાં નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ, વી.ડી.રામાણી તથા આસી. મેનેજર, સરહદ ડેરી ડૉ. એસ.આર.લાલાણી ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લા પંચાયત તેમજ જીલ્લાની પશુપાલન ખાતાની વિવિધ કચેરીઓનો સ્ટાફ આ કાર્યક્રમમાં હાજર રહયા હતા. કાર્યક્રમનું સંચાલન ડૉ. એન.એસ.ગઢવીએ કર્યું હતું.