જિલ્લા પંચાયતનું ૪૦.ર૮ કરોડની પુરાંત સાથેનું બજેટ કરાયું પસાર

image description

નવ નિયુક્ત જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાની અધ્યક્ષતામાં યોજાયેલી ખાસ સામાન્ય સભામાં બજેટમાં વિવિધ ક્ષેત્રે કરાયેલી ફાળવણીની વિગતો કરાઈ જારી : વિપક્ષ દ્વારા બજેટને આંકડાકીય માયાજાળ ગણાવાયું : કોરોનાને લઈને સરકારે ભય ફેલાવ્યો છે ત્યારે અંતરિયાળ ગામોના લોકોને રોજગારી મળી રહે તેવા પગલા લેવાની વિપક્ષે કરી માંગ

(બ્યુરો દ્વારા)ભુજ : જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા નવ નિયુક્ત પ્રમુખ પારૂલબેન કારાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ ખાસ સામાન્ય સભામાં ૭૬.૪૬ કરોડનું કુલ્લ બજેટ સર્વાનુમત્તે પસાર કરવામાં આવ્યું હતું. ૪૦.ર૮ કરોડની પુરાંત સાથેના રજુ કરાયેલા બજેટને વિપક્ષ દ્વારા આંકડાકીય માયાજાળ ગણાવાઈ હતી. જિલ્લા પંચાયતની ચૂંટાયેલી નવી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વર્ષ ર૦ર૧-રરના અંદાજપત્રને રજૂ કરાયું હતું. બજેટમાં વિવિધ ક્ષેત્રોને આવરી લઈને આવક – જાવકના હિસાબો રજુ કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતના નવ નિર્વાચિત પ્રમુખ પારૂલબેન કારાએ બજેટ અંગેની જોગવાઈઓ અંગે જણાવતા કહ્યું હતું કે, જિલ્લા પંચાયતનું બજેટ ૪૦,ર૮,૪૭,૦૦૦/-ની પુરાંત સાથે સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવ્યું છે. બજેટમાં અંદાજીત ખર્ચ ૩૬,૧૮,૦ર,૦૦૦/- દર્શાવાયો છે. તો વર્ષ દરમ્યાન થનાર અંદાજીત કુલ્લ આવક ૩૭,૮૯,૩પ,૦૦૦/- દર્શાવવામાં આવી છે. વિવિધ ક્ષેત્રે કરેલી જોગવાઈની વાત કરીએ તો સામાન્ય વહીવટ ક્ષેત્રે અંદાજીત ૯ર,૮૭,૦૦૦/-ની જોગવાઈ કરવામાં આવી છે. વિકાસ અને પંચાયત મહેકમ ક્ષેત્રે ર૭,૧૦,૦૦૦/-, શિક્ષણ ક્ષેત્રે ૪,૦ર,૧૦,૦૦૦/-, આયુર્વેદ ક્ષેત્રે ૪૦,૦૦૦/-, આરોગ્ય ક્ષેત્રે ૪,૦૦,૦૦૦/-, ખેતીક્ષેત્રે પ,પપ,૦૦૦/-, પશુપાલન ક્ષેત્રે ૩,૪૦,૦૦૦/-, આંકડા ક્ષેત્રે ૯૦,૦૦૦/-, સમાજ કલ્યાણ ક્ષેત્રે ૩૭,પ૦,૦૦૦/-, ગ્રામ્ય નાના ઉદ્યોગો અને સહકાર ક્ષેત્રે રપ,૦૦૦/-, કુદરતી આફત ક્ષેત્રે ૧,૦૦,૦૦૦/-, સિંચાઈ ક્ષેત્રે પપ,૦૦,૦૦૦/-, બાંધકામ ક્ષેત્રે ૧,૯૧,૪પ૦૦૦/-, આઈસીડીએસ ક્ષેત્રે ૪,ર૦,૦૦૦/-, તાલુકાઓને ફાળવણી પેટે ૧૮,૯ર,૩૦,૦૦૦/-ની જોગવાઈ કરાઈ છે. તો રોયલ્ટી ગ્રાન્ટ પૈકીના વિકાસ કામોની જોગવાઈ પેટે ૬,૦૦,૦૦,૦૦૦/-, સ્ટેમ્પ ડ્યુટીના ગ્રાન્ટ પૈકીના વિકાસ કામોની જોગવાઈ ર,૦૦,૦૦,૦૦૦/-, જિલ્લા વિકાસના કાર્યો માટે ૧,૦૦,૦૦,૦૦૦/-ની જોગવાઈ અંદાજપત્રમાં કરાઈ છે. જિલ્લા પંચાયતની યોજાયેલી સામાન્ય સભામાં રજુ કરાયેલા બજેટને વિપક્ષી સભ્ય તકીશા બાવાએ આંકડાકીય માયાજાળ ગણાવ્યું હતું. પહેલી બેઠકમાં સત્તાધીશોએ બજેટમાં માત્ર આંકડાઓ રજુ કર્યા છે. આ સિવાય કોઈ નવી નવાઈની વાત કરી નથી. સાથે જ તેમણે કહ્યું હતું કે, કોરોનાના કારણે આ સરકારે લોકોમાં ખુબ ભય ફેલાવ્યો છે. ચૂંટણી વખતે કોરોના ન હોય અને ત્યાર બાદ કોરોનાની ગાઈડલાઈનનું કડક પણે અમલીકરણ કરાવીને ધંધા રોજગારને અસર પહોંચાડવામાં આવી રહી છે. ત્યારે બજેટમાં ૪૦ કરોડથી વધુની પુરાંત દર્શાવાઈ છે તેને બદલે યોગ્ય ખર્ચ કરી લોકોને રોજગારી મળે તેવું પ્રાવધાન કરવાની માંગ તકીશા બાવાએ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના સચિવ પદે યોજાયેલી સામાન્ય સભામાં નવ નિયુક્ત પ્રમુખ પારૂલબેન કારા, ઉપપ્રમુખ વણવીરસિંહ રાજપુત, કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી, શાસક પક્ષના નેતા હરીભાઈ હીરાભાઈ જાટીયા, વિપક્ષના સભ્ય તકીશા બાવા સહિતના ચૂંટાયેલા નવ નિયુકત સભ્યો ઉપરાંત જિલ્લા પંચાયતની વિવિધ શાખાના અધિકારીઓ, કર્મચારીઓ આ બજેટલક્ષી સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિપક્ષને પણ ચેમ્બર ફાળવવાની માંગ દોહરાવાઈ
ભુજ : જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષી સભ્ય તકીશા બાવાએ સામાન્ય સભામાં વિપક્ષને પણ એક ચેમ્બરની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરી હતી. અગાઉની ટર્મમાં આ અંગે વિપક્ષ દ્વારા રજૂઆતો કરાઈ હતી. પરંતુ સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા દાદ ન અપાતા નવી ટર્મની પ્રથમ બેઠકમાં જ વિપક્ષી સભ્ય દ્વારા ચેમ્બરની માંગણી કરવામાં આવી હતી.