જિલ્લા પંચાયતની ૭ સમિતિઓના સુકાની વરાયા

કારોબારી ચેરમેન પદે મહેન્દ્રભાઈ નારાણભાઈ ગઢવીની સત્તાવાર વરણી કરાઈ : સમિતિઓમાં ક્ષત્રિય અને આહિર સમાજમાંથી રને જ્યારે પટેલ તથા ગઢવી સમાજમાંથી ૧-૧ પદ અપાયા

ભુજ : જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના સભ્યોની બીજી જુલાઈના મળેલી સામાન્ય સભામાં વરણી થયા બાદ આજરોજ જિલ્લા પંચાયત મધ્યે વિવિધ સમિતિઓના સભ્યોની બેઠક મળી હતી. જેમાં સમિતિના ચેરમેનની વરણી સર્વાનુંમતે કરવામાં આવી હતી.અપેક્ષા મુજબ આજરોજ કારોબારી સમિતિના સભ્યોની બેઠકમાં કારોબારી ચેરમેનના પદે મોટી ભુજપુર બેઠકથી ચૂંટાયેલા મહેન્દ્રભાઈ નારાણભાઈ ગઢવીની વરણી કરાઈ હતી.જયારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે જિલ્લા પંચાયતની તલવાણા બેઠક પરથી ચૂંટાયેલા કેશવજીભાઈ વાછિયાભાઈ રોશિયા વરાયા હતા.શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે વિથોણ બેઠક પરથી ચૂંટાયેલા જયાબેન બાબુભાઈ ચોપડાની વરણી કરાઈ હતી.
જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે નિરોણા બેઠક પરથી ચૂંટાયેલા કરશનજી બી. જાડેજા વરાયા હતા.
જયારે જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ પદે સામખિયાળી બેઠક પરથી ચૂંટાયેલા જનકસિંહ બળવંતસિંહ જાડેજાની વરણી કરાઈ હતી.ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન પદે ગળપાદર બેઠક પરથી ચૂંટાયેલા ધનજીભાઈ નારણભાઈ હુંબલની વરણી કરાઈ હતી.જયારે ભીમાસર (ભુંટકિયા) બેઠક પરથી ચૂંટાયેલા કંકુબેન ભગાભાઈ આહિરની મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિઓમાં ચેરમેન પદે વરણી કરાઈ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે સમિતિના અધ્યક્ષોમાંથી સામાજિક ન્યાય સમિતિ અને શિક્ષણ સમિતિની મુદ્દત પાંચ વર્ષની પુરી ટર્મ રહેશે. તે સિવાયની સમિતિઓની મુદ્દત અઢી વર્ષની રખાય છે. ચૂંટાયાને ચાર મહિના જેટલો સમયગાળો વિતવા આવ્યો છે. એટલે સત્તાના સુત્રો એટલા ઓછા સમય માટે મળશે. અપીલ સમિતિની રચના થઈ ચુકી છે. પણ તેના અધ્યક્ષ પદે પ્રમુખ સત્તાની રૂએ બનતા હોય છે.