જિલ્લા પંચાયતની કારોબારીમાં ૧પ ફાઈલોને અપાઈ મંજૂરી

ચેરમેન નવીનભાઈ જરૂના અધ્યક્ષસ્થાને મળી બેઠક : ઝાલુ નાની સિંચાઈ યોજના ડેમ સેફટી કામ માટે રૂા. પ૩.૦પ લાખ કરાયા મંજૂર : નુકશાન પામેલ તળાવોની મરામત માટે રૂા. ૪.૯૦ લાખ ફાળવાયા

ભુજ : કચ્છ જિલ્લા પંચાયત કારોબારી સમિતિની આજરોજ બેઠક મળી હતી. જેમાં ૧પ ફાઈલોને મંજૂરી આપવાની સાથે નાની સિંચાઈ યોજના ડેમ સેફટી કામ તેમજ તળાવ મરામત માટે પણ રકમ ફાળવવામાં આવી હતી.
કારોબારી સમિતિના અધ્યક્ષ નવીનભાઈ જરૂના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત સમિતિ ખંડમાં બેઠક મળી હતી. જેમાં કલમ ૬પ હેઠળ ૧૪, ૬૬ હેઠળ ૧ તેમજ અધુરાશ પૂર્ણ કરવાની શરતે ૩ ફાઈોને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત ઝાલુ નાની સિંચાઈ યોજના ડેમ સેફટી કામ માટે રૂા. પ૩.૦પ લાખ, ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ માટે સ્વભંડોળમાંથી રૂા. ર લાખ, નંદાસર, મેવાણા, ખાવડા, દેવસર, વાડાપદ્ધર, ભારાપર સહિતના નુકશાની પામેલ તળાવોની મરામત રૂા. ૪.૯૦ લાખની રકમ ફાળવવામાં આવી હતી તેની સાથોસાથ અગાઉની સભાની કાર્યવાહી નોંધ બહાલ રાખવાની સાથે અગાઉની સભામાં લીધેલ નિર્ણય પર લેવાયેલ પગલાંનો અહેવાલ પણ રજૂ કરાયો હતો. આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી સી. જે. પટેલ, સિંચાઈ સમિતિ ચેરમેન ભીમજી જોધાણી, ના.જિ. વિકાસ અધિકારી એ. એમ. વાણીયા સહિત તમામ શાખા અધ્યક્ષો ઉપસ્થિત રહ્યા હતા.