ઉપપ્રમુખ પદે ફતેહગઢ સીટના વણવીરભાઈ રાજપુત, કારોબારી ચેરમેન પદે ભુજપુર સીટના મહેન્દ્ર ગઢવી, શાસકપક્ષના નેતા તરીકે કુકમા સીટના હરીભાઈ જાટીયા અને દંડક તરીકે મેઘપર બોરીચી સીટના મશરૂભાઈ રબારીના નામની પક્ષ દ્વારા સત્તાવાર જાહેરાત : જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશુભાઈ પટેલની હાજરીમાં યોજાયેલી બેઠકમાં લેવાયા નિર્ણય : આવતીકાલે કલેકટરની હાજરીમાં યોજાનારી સામાન્યસભામાં કરાશે વિધિવત તાજપોશી : સતત બીજી ટર્મમાં મીની સંસદનુું પ્રમુખ પદ માધાપર સીટના ફાળે 

(બ્યુરો દ્વારા)ભુજ : કચ્છ જિલ્લા પંચાયતમાં કુલ ૪૦ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં ૩ર બેઠકો ઉપર ભાજપે જીત મેળવી હતી. જ્યારે ૮ બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ હતી ત્યારે જિલ્લા પંચાયતમાં પ્રમુખ – ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનના પદ માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની વરણી માટે આજે જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે બેઠક યોજવામાં આવી હતી, જેમાં સર્વાનુમતે જે નામ અગાઉ નક્કી હતું તેના પર મહોર મરાઈ છે. સતત બીજી ટર્મમાં માધાપર સીટના ફાળે મીનીસંસદનું પ્રમુખ પદ આવ્યું છે. આ અંગેની વિગતો મુજબ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ તેમજ મહામંત્રી વલમજીભાઈ હુંબલની હાજરીમાં ભુજ ખાતે જિલ્લા પંચાયતના હોદ્દેદારો નક્કી કરવા બેઠક યોજાઈ હતી. ચૂંટણી બાદ શરૂઆતથી પારૂલબેન કારાનું નામ ચર્ચામાં હતું. આજે પક્ષની બેઠકમાં સત્તાવાર મંજુરીની મહોર મરાતા જિલ્લા પંચાયતની કમાન પારૂલબેન રમેશભાઈ કારાના હાથમાં સોંપાઈ છે. ગત ટર્મમાં અઢી વર્ષના પ્રમુખ માટે માધાપર સીટના જ સદસ્ય કૌશલ્યાબેન માધાપરિયાને જવાબદારી સોંપાઈ હતી, ત્યારે આ વખતે પુનઃ માધાપર બેઠકના વિજેતા સદસ્ય પારૂલબેન કારાને જવાબદારી સોંપાતા માધાપર સીટનું કદ જિલ્લામાં વધી ગયું છે. આ ઉપરાંત ઉપપ્રમુખ પદ વાગડને ફાળે ગયું છે, જેમાં ફતેહગઢ બેઠકના વણવીરભાઈ ભોજાભાઈ રાજપુતને ઉપપ્રમુખ બનાવાય છે. ગત ટર્મમાં પણ વાગડના લક્ષ્મણસિંહ સોઢાને અઢી વર્ષ માટે ઉપપ્રમુખ બાદમાં પ્રમુખ બનાવાયા હતા. જ્યારે કારોબારી ચેરમેન પદ ભુજપુર સીટના મહેન્દ્રભાઈ ગઢવીના ફાળે ગયું છે. શાસક પક્ષના નેતા તરીકે કુકમા સીટના હરીભાઈ હીરાભાઈ જાટીયાની પસંદગી થઈ છે. ૪૦ બેઠકોમાં તેઓ એક માત્ર ભાજપના રીપીટ ઉમેદવાર હતા. તો દંડક તરીકે અંજારની મેઘપર બોરીચી સીટના મશરૂભાઈ રબારીની પસંદગી કરાઈ હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું. પક્ષ દ્વારા સત્તાવાર જાહેરાત ઉમેદવારો દ્વારા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ નામાંકન પત્ર ભરવામાં આવ્યું હતું. આવતીકાલે જિલ્લા કલેકટરની હાજરીમાં યોજાનારી સામાન્ય સભામાં હોદેદારોની ઔપચારીક વરણી કરવામાં આવશે.