જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળી : રૂ.૭૦૪.૩૨ લાખની ૨૬ યોજનાઓને બહાલી અપાઇ

image description

આ યોજનાના અમલીકરણથી ૫૧૭૨ જેટલા ઘર-ઘર નળ કનેકશનની સંખ્યામાં વધારો થશે

ભુજ : કલેકટર પ્રવિણા ડી.કે.ની અધ્યક્ષતા હેઠળ કલેકટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ ની ૩૧મી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કુલ ૭૦૪.૩૨ ની ૨૬ યોજનાઓને મંજુરી આપવામાં આવી હતી. આ યોજનાના અમલીકરણથી ૫૧૭૨ જેટલા ઘર-ઘર નળ કનેકશનની સંખ્યામાં વધારો થશે.કલેકટરે જળ જોડાણ ન ધરાવતા આંગણવાડી અને શાળાઓને પ્રાધાન્ય આપી ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સબંધિતોને જણાવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.માઢકે પેટા આરોગ્ય કેંદ્ર (સબ-સેન્ટર) સુધી પાણીની લાઇન પહોંચાડવા માટે રજુઆત કરી હતી. જે અન્વયે કલેક્ટરે જરૂરી વિગતો એકત્ર કરી વાસ્મો પાસે રજૂ કરવા જણાવ્યું હતુ અને આ બાબતે કમગીરી ઝડપી કરવા સંબધિતોને સુચના આપી હતી. ‘વાસ્મો’ ભુજના કાર્યપાલક ઈજનેર જે.એલ.ચૌહાણે જિલ્લાની સમગ્ર વિગતોથી કલેકટરને માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં વિવિધ સરકારી કે અન્ય ગ્રાંટમાંથી ૧૦ જેટલા ગામોના કુલ ૩૩૨ ઘરોમાં ૧૦૦ ટકા નળ કનેકશનમાં વધારો થયો છે. જિલ્લાના ૯૬૪ ગામો પૈકી ૮૫૫ ગામો ૧૦૦ ટકા નળ જોડાણ ધરાવે છે જયારે ૧૦૯ ગામોમાં ૧૦૦ ટકા નળ જોડાણ કામ બાકી છે. વાસ્મોએ ૨૧૧ બાકી રહેતા ગામોની કામગીરી કરવાની છે.આ ઉપરાંત કલેક્ટરે અગાઉ મંજુર થયેલ યોજનાઓની પ્રગતિની સ્થિતિનો તાગ મેળવી બાકીના કામો ઝડપી કરવા તાકિદ કરી હતી તથા વાસ્મો-ભુજ દ્વારા તૈયાર નવી યોજનાઓની મંજુરી, વિવિધ ગ્રાન્ટ દ્વારા ૧૦૦ ટકા કનેકશન મેળવેલ ગામોની યાદી, અગાઉ મંજુર થયેલી યોજનાઓમાં સુધારા, શાળા-આંગણવાડીઓમાં પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવી વગેરે મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં આઇસીડીએસ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર આઇ.એસ.ચૌહાણ, જિ.પ્રા.શિક્ષણાધિકારી જે.પી.પ્રજાપતિ, જિલ્લા શિક્ષણાધિકારીના પ્રતિનિધી બી.એમ.તેરૈયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજના પ્રતિનિધી એ.એન.ઝાલા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીના પ્રતિનિધિ જે.જી.સંભવાણી, નાયબ માહિતી નિયામક મિતેષ મોડાસીયા, વાસ્મો જિલ્લા કો.ઓર્ડિનેટર ડિમ્પલ શાહ, વાસ્મો મેનેજર એડમીન હાર્દિક ધોળકીયા, ટેકનો આસી.હરિલાલ બી.ચાડ વગેરે ઉપસ્થિત રહયા હતા.