જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને નહેરુ યુવા કેન્દ્રની સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

ભારત સરકારના નહેરુ યુવા કેન્દ્ર, ભુજની જિલ્લા યુવા કાર્યક્રમની સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને આજરોજ કલેકટર કચેરી, ભુજ ખાતે યોજવામાં આવી હતી.

          જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.એ મીટીંગમાં જણાવ્યું હતું કે, નહેરૂ યુવા કેન્દ્રના મંડળો અને નેશનલ યુથ વોલંટીયરો માટે વિશેષરૂપથી જાગૃતિના કાર્યક્રમો વધારે તે જરૂરી છે. તેમણે આચાર્ય ભુજ, મુન્દ્રા, માંડવી, ગાંધીધામના તાલુકાની કામગીરી પ્રત્યે સંતોષ વ્યકત કર્યો હતો.

          સ્વચ્છતા અંગેના તથા અન્ય કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા પંચાયત વગેરે સાથે સમન્વય કરવાની પણ જિલ્લા કલેકટરે સૂચન વ્યકત કરેલ. જયારે વોકેશનલ કાર્યક્રમની તાલીમ માટે પણ કચ્છ પ્રશાસન સંયુકત રીતે નહેરૂ યુવા કેન્દ્ર સાથે કામગીરી કરશે તેવું જણાવીને અન્ય ઉપસ્થિત સલાહકાર સમિતિના કોઇ સૂચનો હોય તો તેને રજુ કરવા જણાવેલ.

          આ બેઠકમાં જિલ્લા યુવા અધિકારી રચનાબેન વર્મા દ્વારા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માં યોજાનારા તમામ કાર્યક્રમની વિસ્તૃત રજુઆત કરીને કાર્યક્રમોને સફળ બનાવવા સમિતિના તમામ સદસ્યોને આહવાન કરેલ. આઝાદીના અમૃત મહોત્સવરૂપે યોજાનાર દોડમાં કચ્છ યુનિવર્સિટીના નોડલ ઓફિસર ડો.ચિરાગભાઇના માર્ગદર્શન હેઠળ ૮૦ થી ૧૦૦ યુવાનો તા.૧૮/૯/૨૦૨૧ના રોજ સાત કિલોમીટરની દોડમાં સામેલ થઇને શહીદ વીરોની અમૃતગાથાને યાદ કરી તેઓને નમન કરશે જેમાં જિલ્લા પ્રશાસન વતી સહયોગ પુરો પડાશે.

          બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારશ્રી હનુમંતસિંહ જાડેજા, નાયબ નિયામક (અ.જા.) ડી.એન.ભોજગોતર, એન.સી.સી.ઓફિસર હાવ કિરણ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી જે.એ.બારોટ, રેડક્રોસ સોસાયટીના મીરાબેન સાવલીયા, પ્રતાપપુર હાઈસ્કુલ કે પ્રિન્સીપાલ કે.કે.ગઢવી, ડી.આર.ડી.એ. ના ભાવીન શેનશાણી, એડવોકેટશ્રી રામભાઇ ગઢવી, ડીપીઓશ્રી જે.કે.ચાવડા, સ્પોર્ટસપર્સન અને પ્રિન્સીપાલશ્રી પરેશભાઇ ભાવસાર, એપીએ ગોસાઇ નરેન્દ્રપુરી, ભાનુ યુવા મંડળના અધ્યક્ષ દિપેનભાઇ ભાનુશાળી, નેશનલ યુથ વોલંટીયર અક્ષય રાજેન્દ્રભાઇ ઠકકર, સોઢા કુલદીપસિંહ, ગુસાઇ સત્યમગીરી, ભરતભાઇ તથા બી.પી.રાઠોડ વગેરે ઉપસ્થિત રહીને બેઠકને સાર્થક બનાવી હતી. જિલ્લા યુવા અધિકારી રચનાબેન વર્મા દ્વારા જિલ્લા કલેકટરશ્રીનો બુકેથી સ્વાગત કરીને આભાર માન્યો હતો.