જિલ્લામાં ૩૬ ખાનગી સ્કૂલોની દરખાસ્ત પૈકી ૭ ને મંજૂરી

જુદા જુદા નિયમોને પગલે ખાનગી શાળાઓને મંજૂરી આપવાનું પ્રમાણ ઘટ્યું

 

ભુજ : અગાઉ કચ્છમાં આડેધડ ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવતી હતી ત્યારે આ વર્ષે ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં તંત્ર અને સરકાર દ્વારા ચોક્કસ ધારાધોરણો નક્કી કરીને મંજૂરી આપવાની પ્રક્રિયા મર્યાદિત કરી છે. જેમાં આ વર્ષે કચ્છમાં ખાનગી શાળાઓ માટે કુલ્લ ૩૬ દરખાસ્તો થઈ હતી જેની સામે માત્ર ૭ જ ખાનગી શાળાઓને મંજૂરી અપાઈ છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, આ વર્ષે બે તબક્કામાં ખાનગી શાળાઓની મંજૂરી માટે દરખાસ્તો આવી હતી. જેમાં પ્રથમ તબક્કામાં ૩૧ દરખાસ્તો સામે પાંચ શાળાઓને મંજૂરી અપાઈ હતી જ્યારે બીજા તબક્કામાં પાંચ પૈકી બે શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. આમ કુલ્લ ૩૬ પૈકી સાત શાળાઓને ચાલુ વર્ષે મંજૂરી અપાઈ છે. આરટીઈ, ફી નિયમન સહિતના ધારાધોરણોને ધ્યાને રાખીને આ વખતે શાળાઓને મંજૂરી આપવા માટે કડકાઈ અપનાવાઈ હોવાનો જિલ્લા શિક્ષણાધિકારીએ ઉમેર્યું હતું.