જિલ્લામાં ખાદ્ય પદાર્થોની ચેકિંગ કરાતું હોવાનું ફૂડ વિભાગનું ગાણું

વાવાઝોડાથી કાચી કેરી ખરી પડતાં કાર્બાઈડથી પકવી બજારોમાં ઠલવાઈ પણ ફૂડ વિભાગ અજાણ  : કડક નિયંત્રણોમાં હોટલ, રેસ્ટોરન્ટોને ટેક અવેની છે મંજૂરી : ઉનાળો હોવાથી ઠંડા પીણાની માંગ વધુ પણ જેના શીરે ચેકિંગની જવાબદારી છે તે વિભાગ હાલમાં છે ઈન્ચાર્જના હવાલે : ફૂડ વિભાગે કાર્યવાહી કરાતી હોવાનો રાગ આલાપ્યો, પણ વિગતો ડિકલેર કરવામાં આનાકાની

ભુજ : કોરોના વાયરસના કારણે જિલ્લામાં સરકાર દ્વારા કડક નિયંત્રણો અમલી બનાવાયા છે, પરંતુ ખાદ્ય સામગ્રીની માંગમાં કોઈ ફરક આવ્યો નથી. હોટલ, રેસ્ટોરન્ટોમાં હોમ ડિલેવરીની સુવિધા છે, ઉપરાંત ઘણા ફરસાણ વિક્રેતા તેમજ નાસ્તાના ધંધાર્થીઓ ઘરેથી પણ વ્યવસાય કરે છે. જાે કે આ તમામ બાબતો વચ્ચે ખાદ્ય પદાર્થોની ચેકિંગ કરવાનું ફૂડ વિભાગ ભુલી ગયો હોય તેવો તાલ સર્જાયો છે. જાે કે તમામ સરકારી વિભાગની જેમ ફૂડ વિભાગ પણ સબસલામતનો રાગ આલોપે છે.

આ અંગેની વિગતો મુજબ હાલમાં કડક નિયંત્રણોના કારણે હોટલ, રેસ્ટોરેન્ટોમાં ટેક અવેની સુવિધા અમલી બનાવાઈ છે. જાે કે ઘણા સ્થળોએ તૈયાર થતા ભોજનની સામે ગ્રાહકો ન આવતા તૈયાર ભોજન ફ્રીઝમાં રાખી બીજા દિવસે હોમ ડિલીવરીમાં આ ભોજન અપાતું હોવાની ફરિયાદો છે. બીજીતરફ મિનિ લોકડાઉનમાં ર૮ દિવસ સુધી દુકાનો બંધ રહી હતી. જેથી ઘણી ફરસાણની દુકાનોમાં ફરસાણનો જથ્થો તૈયાર પડ્યો હતો. તેનું પણ પેકિંગ ટૂ પેકિંગ વેચાણ થયું છે. ઉનાળામાં ઠંડા પીણાની ભારે માંગ હોય છે ત્યારે કોલ્ડ્રીક્સના નામે ઘણી વખત શરબતવાળુ પાણી પણ બોટલમાં ભરી દેવાય છે.

ખાસ વાત એ છે કે હાલમાં કેરીની સીઝન છે, પરંતુ સૌરાષ્ટ્રમાં તાઉતેના કારણે કેરીનો મોટા ભાગનો પાક ખરી પડતાં કાચી કેરીના ઢગલા થઈ પડ્‌યા હતા. આવા સમયે આ કેરીને વધુ સમય સુધી સંગ્રહ કરવામાં આવે તો તે બગડી જવાની સંભાવનાઓ રહે છે. ત્યારે કાર્બાઈડ અને ગેસથી કેરીઓ પકવી બે દિવસમાં બજારમાં ઢગલો કરી દેવાયો છે. કચ્છમાં તમામ શહેરો અને મુખ્ય મથકો પર કેરીના ઢગલાબંધ બોક્સો જાેવા મળે છે. મોટાભાગનો કેરીનો જથ્થો ગેસથી પકવેલ હોવાનું સામે આવ્યું છે. જાે કે ખાદ્ય પુરવઠાની ગુણવત્તા જળવાયેલી રહે તેની જવાબદારી ફૂડ વિભાગની છે. કોઈ વ્યક્તિ અખાદ્ય વસ્તુનું વેચાણ ન કરે, લોકોના સ્વાસ્થ્યને નુકસાની ન પહોંચે તે સહિતની જવાબદારી ફૂડ વિભાગે નિભાવવાની હોય છે. જાે કે ઈન્ચાર્જના હવાલે રહેલા કચ્છ જિલ્લામાં ફૂડ વિભાગ જાણે ઉઘમાં હોય તેમ આ ફરિયાદો પર કોઈ જ કાર્યવાહી થઈ નથી. પરંતુ એવો રાગ આલોપ્યો છે કે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે, જાે અખાદ્ય વસ્તુઓના વેચાણ સામે પગલાં લીધા હોય તો તેની વિગતો ડિકલેર કરવામાં કેમ આનાકાની થાય છે તે સવાલ ઉઠવા પામ્યો છે.

આ અંગે ફૂડ વિભાગના ડેજીગ્નેટેડ ઓફિસર એ.એમ. વરૂને પુછતા તેમણે કહ્યું કે, હાલમાં હું ચાર્જમાં બીજા જિલ્લામાં છું પણ ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોનું નિયમિત ચેકિંગ કરાય છે. જે કામગીરી રૂટીન હોય છે.