જિલ્લાની છ બેઠકો પર ૩ એક્ષ્પેન્ડીચર ઓબ્ઝર્વરના કચ્છમાં ધામા

પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના અધિકારીઓ કચ્છમાં ચૂંટણી ખર્ચનું કરશે મોનીટરીંગ : જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજી ખાસ બેઠક

ભુજ : આજથી વિધાનસભાની બેઠક માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે ચૂંટણી ખર્ચ મુદ્દે ઉમેદવારો પર બાજ નજર રાખવા ખાસ ટીમો તૈયાર કરાઈ છે. આ ઉપરાંત અન્ય રાજ્યના ૩ એક્ષ્પેન્ડીચર ઓબ્ઝર્વર પણ ત્રી-દિવસીય કચ્છની મુલાકાતે આવ્યા છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જાશીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, અબડાસા અને માંડવી બેઠક માટે એક્ષ્પેન્ડીચર ઓબ્ઝર્વર તરીકે પ.બંગાળના એસ.કે. જફરૂલ-હક-તનવીર, ભુજ અને અંજારની બેઠક માટે મહારાષ્ટ્રના સંતોષ જી. પરાગે અને ગાંધીધામ-રાપરની બેઠક પર રાજસ્થાનથી આશિષ સિંઘે કચ્છની મુલાકાત લીધી છે. આજથી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ છે ત્યારે ઉમેદવારોના ખર્ચ પર ઝીણવટતાથી ધ્યાન રાખવાનું પ્લાનીંગ કરાઈ રહ્યું છે. જુદા જુદા રાજ્યોમાંથી આવેલા ઓબ્ઝર્વર દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ માટે બનેલી જુદી જુદી ટીમોના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ઉમેદવારો દ્વારા થતા ચૂંટણી ખર્ચ પર તકેદારી રાખવામાં આવે તેવી તાકીદ કરાઈ હતી. ચૂંટણી પંચની ગાઈડ લાઈન અનુસાર સતત મોનીટરીંગ કરાય તેવી સૂચના ઓબ્ઝર્વરો દ્વારા અપાઈ હતી.