જામનગર NCC ગ્રૂપ હેડક્વાર્ટરના ગ્રૂપ કમાન્ડર અને 36 ગુજરાત બટાલિયન NCC ભૂજના કમાન્ડિંગ ઓફિસરે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ સાથે મુલાકાત કરીને કોલેજોમાં નવી NCC યોજનાના અમલીકરણ વિશે ચર્ચા કરી

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા શૈક્ષણિક અભ્યાસક્રમમાં પસંદગીના વિષય તરીકે NCC પસંદ કરવા અંગે નીતિ બહાર પાડવામાં આવી હોવાથી અભિલાષી વિદ્યાર્થીઓ તુલનાત્મક રીતે ઓછા શૈક્ષણિક ભારણ સાથે NCCનો હિસ્સો બની શકશે. આના ભાગરૂપે, જામનગર NCC ગ્રૂપ હેડક્વાર્ટરના ગ્રૂપ કમાન્ડર કર્નલ કે.એસ.માથુર અને ૩૬ ગુજરાત બટાલિયન NCC ભૂજના કમાન્ડિંગ ઓફિસર કર્નલ પ્રિતમ કુમાર હેમ્બ્રોમ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. જયરાજસિંહ જાડેજાને મળ્યા હતા અને અભ્યાસક્રમમાં નવી NCC યોજનાના અમલીકરણની પદ્ધતિઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. NCCમાં જોડાવા માંગતા સંખ્યાબંધ અભિલાષી વિદ્યાર્થીઓ પર નવી નીતિનો પ્રભાવ પડશે. કર્નલ માથુરે તમામ કમાન્ડિંગ ઓફિસરો, એસોસિએટ NCC ઓફિસરો અને ભૂજ તેમજ જામનગર જિલ્લામાં આવેલી કોલેજોના આચાર્યોને આ મહત્વાકાંક્ષી યોજના મહત્તમ સંસ્થાઓમાં લોકપ્રિય અને અમલી થાય તે માટે તેને વેગ આપવા પ્રોત્સાહિત કર્યા હતા.