જામનગરમાં વાહન ટોઇંગ કરતાં દંપતીએ પોલીસ સાથે ઝપાઝપી કરી

(જી.એન.એસ) જામનગર, જામનગર શહેરના ટ્રાફિકથી ધમધમતા દીપક ટોકીઝ વિસ્તારમાં વાહન ટોઇંગ કરતા સમયે ટ્રાફિક- પોલીસ અને એક દંપતી વચ્ચે ઝપાઝપી થતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. દંપતીનું વાહન ટોઈંગ કરી લેવાતાં પોલીસ સાથે પહેલા ઉગ્ર બોલાચાલી અને બાદમાં ઝપાઝપી થઈ હતી. તો સામેની તરફ પોલીસ જવાને પણ પતિને ફડાકાવાળી અને ગાળાગાળી કરી હતી. પોલીસ અને દંપતી વચ્ચેની બબાલનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.સવારે સાડાઅગિયાર વાગ્યાના અરસામાં જામનગર ટ્રાફિક-પોલીસની ટોઈંગ વાને સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ નજીકથી વાહનો ટોઈંગ કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે એક દપંતીની મોટરસાઇકલ પણ ટોઈંગ કરાતાં દંપતીએ ફરજ પરના ટ્રાફિક-પોલીસ જવાન સાથે બોલાચાલી કરી હતી, જેથી ટ્રાફિક-પોલીસે યુવકનો કાંઠલો પકડી ઈમર્જન્સી પોલીસને બોલાવી હતી. આ દરમિયાન જ યુવક અને તેની પત્નીએ પોલીસ સાથે ઝપાઝપી કરતાં મામલો ઉગ્ર બન્યો હતો.જાહેરમાં ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થતાં પોલીસ જવાને યુવકને ફડાકા ઝીંક્યા હતા અને બાદમાં પત્નીની હાજરીમાં જ પોલીસ જવાન યુવકને ગંદી ગાળો કાઢતાં પણ વીડિયોમાં જોવા મળી રહ્યા છે.રણજિત રોડ જેવા ટ્રાફિકથી સતત ધમધમતા વિસ્તારમાં વાહનચાલક દંપતી અને ટ્રાફિક-પોલીસ વચ્ચે વાહન ટોઈંગ કરવા બાબતે બબાલ થતાં લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં, જેને કારણે રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો હતો.