‘‘જાગો ગ્રાહક જાગો’’ પેકિંગ દુધમાં વધુ નાણાં આપતા ગ્રાહકો કેમ નથી જાગતા ?

ભુજ : બજારમાં મળતા પેકેઝીંગ દુધ અને દહીંમાં કુલિંગના નામે ર-૩ રૂપિયા વધુ વસૂલીને વેપારીઓ ગ્રાહકો પાસેથી લુંટ મચાવી રહ્યા છે. થેલીમાં પેક દુધ અને દહીં ખરીદવા મોટા ભાગના તમામ લોકો ગયા હશે. અને એમ.આર.પી. કરતાં બે-ત્રણ રૂપિયા વધુ જ ચૂકવવા પડયા હશે. પરંતુ ગ્રાહકો જાગતા નથી તે હકિકત છે.
અમુલ દ્વારા પેકિંગ દુધ અને દહિંનું વેંચાણ કરવામાં આવે છે પરંતુ તેની પર એમ.આર.પી. સાથે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અને કૂલિંગ ચાર્જ સામેલ છે. તેવી સૂચના લખેલી ન હોવાના લીધે દુકાનદારો ગ્રાહકો પાસેથી પૈસા પડાવતા હોવાનું ધ્યાને આવતાં કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા સમક્ષ ફરિયાદ થઈ હોવાનું બહાર આવ્યું છે. જેમાં પેકિંગ પ્રોડકટ પર એમ.આર.પી. માં ટ્રાન્સપોર્ટેશન અને કૂલિંગ ચાર્જ સામેલ હોવાનું જણાવવામાં આવે તેવી રજુઆત કરાઈ છે. અમુલ બ્રાન્ડ દ્વારા દુધ અને દહીં સહિતની વસ્તુઓ બજારમાં પેકિંગમાં વેચાણ માટે મુકવામાં આવે છે. અમુલ દ્વારા મુકવામાં આવતી આ પ્રોડકટની એમ.આર.પી.માં ટ્રાન્સપોર્ટેશન અને કૂલિંગ ચાર્જ સામેલ કરવામાં આવેલો હોય છે અને અમુલ દ્વારા અપાતી જાહેરાતમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ પ્રોડકટના પેકિંગ પર એમ.આર.પી. સાથે ટ્રાન્સપોર્ટેશન અને કૂલિંગ ચાર્જ ઈન્કલુડ છે તેવી નોંધ મુકવામાં આવતી નથી. જેનો લાભ કેટલાક દુકાનદારો ઉઠાવી લોકો પાસેથી વધુ રકમ પડાવતા હોવાનું બહાર આવ્યું છે. દુધ અને દહીંના પેકીંગની એમ.આર.પી. કરતા કેટલાક દુકાનદારો રૂ.૧ થી ર વધુ પડાવે છે અને જયારે ગ્રાહક વધુ પૈસા લેવા પાછળનું કારણ પુછે ત્યારે કૂલિંગ ચાર્જ પેટે આ વધારાના પૈસા લેતા હોવાનું જણાવે છે. પેકિંગમાં કૂલિંગ અને ટ્રાન્સપોર્ટેશન ચાર્જનો ઉલ્લેખ કરવામાં આવેલો ન હોવાના લીધે ગ્રાહકો પણ છેતરાઈ રહ્યા છે. કચ્છભરમાં અમુલ સહિતનાં પેકીં દુધ-દહીંની આ પરિસ્થિતિ છે. ત્યારે જિલ્લા તોલમાપ કચેરી દ્વારા આ સંદર્ભે યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ ગ્રાહકો પણ જાગૃત બને તે અનિવાર્ય છે.