જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં સીઆરપીસી ૧૬૪ મુજબના ૧ર નિવેદન કોર્ટ સમક્ષ રજૂ

સીઆઈડી ક્રાઈમે ૩પ૦થી વધુ સાક્ષીના નિવેદન પણ રજૂ કર્યા

અમદાવાદ : અબડાસના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાાલીની ચાલતી ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જયારે તેઓ ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા. આ સનસનીખેજ હત્યા જોકે પુણેના મેરવાડાના કોન્ટ્રાકટ ક્લિરો દ્વારા કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમે તપાસ દરમિયાન ૧ર આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ભાજપના બે સભ્યો છબીલ પટેલ અને જયંતી ઠક્કર અને મનીષા ગોસ્વામી નામની મહિલાનો સમાવેશ થાય છે.સીઆઈડી ક્રાઈમના તપાસકર્તાઓના જણાવ્યા મુજબ જયારે જયંતી ઠક્કર તેમની તબીયત સંબંધિત દલીલોના આધારે તેમને આપવામાં આવેલા વચગાળાના જામીન પર બહાર રહે છે. ત્યારે અન્ય ત્રણ આરોપી રાહુલ પટેલ, નીતિન પટેલ અને છબીલ પટેલના સિદ્ધાર્થ પટેલ નિયમિત જામીન પર બહાર છે. જયંતી ઠક્કર દ્વારા વારંવાર વચગાળાના જામીન વધારવાની અરજીના કારણે કેસની સુનાવણીમાં વિલંબ થતો જાય છે ત્યારે સીઆઈડી ક્રાઈમે ૩પ૦થી વધુ સાક્ષીઓના નિવેદનો અને સીઆરપીસીની કલમ ૧૬૪ હેઠળ નોંધાયેલા સાક્ષીઓના ૧ર જેટલા નિવેદનો અદાલત સમક્ષ મુકયા છે.તપાસ એજન્સી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા છબીલ પટેલ ર૦૧૪માં અબડાસા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ સામે હારી ગયા હતા. આ માટે તેઓ માનતા હતા કે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય રહેલા જયંતી ભાનુશાલીએ તેને હાર આપવાનું ષડયંત્ર રચ્યું હતું. તપાસનીશ એજન્સીના કહેવા પ્રમાણે છબીલ પટેલ હારનો બદલો લેવા માંગતા હતા અને તે માટે ભાનુશાળીની હત્યાનું કાવતરૂ રચ્યું હતું. જેમાં ભાનુશાલીના સાથે દુશ્મનાવટ ધરાવતા અન્ય મુખ્ય આરોપીઓ જયંતી ઠક્કર અને મનીષા ગોસ્વામી પણ ભાનુશાળીની હત્યાના કાવતરામાં સામેલ થઈ ગયા હતા.પોલીસ રેકોર્ડ મુજબ જયંતી ભાનુશાલી જે તેમની જ્ઞાતિના એક કાર્યક્રમમાં હાજરી આપવા ભુજ ગયા હતા અને ૭ જાન્યુઆરી ર૦૧૯ની રાત્રે અમદાવાદ જવા માટે ટ્રેનમાં બેઠા હતા. ચાર્જશીટમાં જણાવ્યા પ્રમાણે જયારે ટ્રેન કટારિયા અને સુરજબારી સ્ટેશન વચ્ચે હતી. ત્યારે સામખીયાળી પાસે ધરવડાની સુજીત ભાઉ ગેંગના બે શુટરો અશરફ શેખ અને શશીકાંત કાંબલેએ એચ-૧ની ફર્સ્ટ કલાસ કેબિનના દરવાજા ખટખટાવ્યા હતા. આ કોચમાં બેઠેલા ભાનુશાળીએ દરવાજો ખોલતા જ અશરફ શેખ અને કાંબલે ઉપરા છાપરી ત્રણ ગોળીઓ ભાનુશાળીના શરીરમાં ધરબી દીધો હતો. ભાનુશાળીના શરીરમાં ત્રણ ગોળીઓ વાગી હતી. એક છાતીમાં અને બે ગોળીઓ તેમની આંખમાંથી પસાર થઈને ખોપરીના પાછળના ભાગેથી બહાર નીકળી ગઈ હતી. બાદમાં શાર્પ શૂટરોએ સાંકળ ખેચી ટ્રેનમાંથી ઉતરી પહેલેથી જ તૈયાર રાખેલી એક બાઈક પર બેસી ફરાર થઈ ગયા હતા. કેસની સંવેદનશીલતાને જોતા એક સીટની (વિશેષ તપાસ ટીમ)ની રચના કરવામાં આવી હતી. ગુજરાત એટીએસએ આ કેસમાં પ્રથમ સફળતા ત્યારે મેળવી જ્યારે તેઓએ છબીલ પટેલના ભાગીદાર રાહુલ પટેલ અને નીતિન પટેલની ધરપકડ કરી. તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે રાહુલ અને નીતિન બંને ષડયંત્રનો ભાગ હતા કારણ કે, તેઓએ કથિત રીતે ભુજ નજીકના ફાર્મ હાઉસમાં શાર્પ શૂટરોને આશ્રય આપવામાં સામેલ હતા.