જમ્મુ મિલિસ્ટ્રી સ્ટેશન પર બે ડ્રોન દેખાતા સેનાનું ૨૫ રાઉન્ડ ફાયરિંગ

(જી.એન.એસ.)જમ્મુ,કાશ્મીર નેતાઓની દિલ્હીમાં બેઠક બાદ એકવાર ફરી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ઘટનાઓને અંજામ આપવાનું શરૂ કર્યું છે. એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલાના બીજા જ દિવસે આતંકવાદીઓએ મિલિટ્રી સ્ટેશન પર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. મળતી માહિતી પ્રમાણે, જમ્મુના કાલૂચક મિલિટ્રી સ્ટેશન પર એક ડ્રોન જોવા મળ્યું હતું. જો કે સેના એલર્ટ પર હતી અને ડ્રોન જોતા જ સેનાએ તેના પર ૨૦થી ૨૫ રાઉન્ડનું ફાયરિંગ કર્યું.
રવિવાર રાત્રે લગભગ ૩ વાગ્યાની આસપાસ કાલૂચક મિલિટ્રી સ્ટેશનની ઉપર એક ડ્રોન જોવા મળ્યું હતું. આને જોતા જ સેનાના જવાનોએ ૨૦થી ૨૫ રાઉન્ડનું ફાયરિંગ કર્યું. ફાયરિંગ બાદ ડ્રોન ગાયબ થઈ ગયું. અત્યારે સેના સર્ચ ઑપરેશન ચલાવીને ડ્રોનની શોધ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર રવિવારના મોડી રાત્રે ધમાકા થયા હતા. પહેલો ધમાકો રાત્રે ૧ઃ૩૭ વાગ્યે થયો અને બીજો ઠીક ૫ મિનિટ બાદ ૧ઃ૪૨ વાગ્યે થયો હતો.વાયુસેના પ્રમાણે બંને ધમાકાઓની ઇન્ટેસિટી ઘણી ઓછી હતી અને પહેલો ધમાકો છત પર થયો. આ કારણે છતને નુકસાન પહોંચ્યું હતુ, જ્યારે બીજો ધમાકો ખુલ્લી જગ્યાઓ પર થયો હતો. ધમાકામાં ૨ જવાનોને સામાન્ય ઈજા થઈ હતી. આ પહેલીવાર હતું, જ્યારે આતંકવાદીઓ ડ્રોન દ્વારા હુમલો કર્યો હતો. આની તપાસ હવે એનઆઇએ કરશે. ડ્રોન દ્વારા હુમલાની ટ્રેનિંગ પર વધારે ખર્ચ કરવો પડતો નથી. જમીની હુમલાઓની સરખામણીએ ડ્રોન હુમલાને અંજામ આપવામાં રિસ્ક ઓછું હોય છે.
ડ્રોન ઓછી ઊંચાઈ પર ઊડી શકે છે અને ઓછી ઊંચાઈ પર ઉડવાના કારણે રડારની પકડમાં આવવાના ચાન્સ પણ ઓછા રહે છે. આવામાં એ શક્યતાથી ઇનકાર ના કરી શકાય કે આગળ પણ આતંકવાદી સંગઠન આનો ઉપયોગ કરશે. આ કારણે ભારતે પોતાના સૈન્ય ઠેકાણાઓની સુરક્ષા વ્યવસ્થાને ડ્રોન એટેકને અસફળ કરવા માટે વધારે એડવાન્સ કરવાની રહેશે.