કચ્છમાં લોકોનો સહકાર અને સહકર્મચારીઓની ટીમ સારી મળતા કરી શકાઈ નોંધપાત્ર કામગીરી : દરેક લોકોના પ્રશ્નો સમજીને કાયદાના દાયરામાં રહીને હલ કરવા કર્યો પ્રયાસ

ભુજ : અહીંના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવનાર મનીષ ગુરવાનીએ પોણા બે વર્ષના સમયગાળામાં કરેલી સંનિષ્ઠ કામગીરીને કારણે લોકોમાં અપાર લોકચાહના મેળવી છે. કચ્છમાં પ્રાંત અધિકારી તરીકેને ફરજ બજાવ્યા બાદ હવે જ્યારેે તેમની વલસાડના ડીડીઓ તરીકે બદલી થઈ છે ત્યારે ભુજને તેમણે અલવિદા કરતી વેળાએ તેમના કાર્યકાળ દરમ્યાન થયેલા અનુભવો તેમણે કચ્છ ઉદય સાથે વાગોળ્યા હતા.ભુજના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવનાર યુવા આઈએએસ અધિકારી મનિષ ગુરવાનીનું મહેસુલી સ્ટાફ દ્વારા અનોખું સન્માન કરાયું હતું. આ સન્માનથી તેઓ પણ ભાવુક થયા હતા અને સહ કર્મચારીઓ તેમજ કચ્છના લોકોનો આભાર માન્યો હતો.કચ્છ ઉદય સાથે તેમણે વર્ણવેલા અનુભવોમાં જણાવ્યું હતું કે, જે કામગીરી કરવાનો અવસર મળ્યો તેમાં પ્રાંત કચેરીના અધિકારીઓ તેમજ મામલતદાર કચેરીના સ્ટાફ અને મહેસુલી અધિકારી – કર્મચારીઓની સારી ટીમ મળી સાથે જ કચ્છના લોકોનો પણ એટલો જ સહકાર મળ્યો. તેના કારણે જ સારી એવી કામગીરી કચ્છ માટે કરી શકાઈ છે. વિદાય વેળાએ તેમણે કચ્છીઓ તરફથી મળેલો પ્રેમ અને સન્માન જીવનપર્યંત યાદ રહેશે તેવી ભાવભીની પ્રતિક્રિયા પણ આપી હતી. મૂળ રાજસ્થાનના માનગઢ જિલ્લાના આ સનદી અધિકારીએ ઈલેકટ્રીક એન્જિનિયરીંગની ડિગ્રી મેળવીને કોલેજ કાળથી જ સિવિલ સર્વિસીસમાં જોડાવવાનું સ્વપ્નું જોયું હતું અને પ્રથમ પ્રત્યને યુપીએસસીની પરીક્ષા પાસ કરી ૩રરમો રેન્ક મેળવ્યો હતો, જેથી આઈઆરએસમાં પસંદગી પામીને ઈન્કમ ટેક્સ ઓફિસર તરીકે જોડાયા હતા, પરંતુ તેમનું લક્ષ્ય આઈએએસ ઓફિસર તરીકે કામ કરવાનું હતું, તેથી ત્રીજા પ્રયત્ને ર૮મો રેન્ક મેળવીને આઈએએસ અધિકારીની મસુરીમાં તાલીમ મેળવી અને પ્રથમ પોસ્ટીંગ ભુજના પ્રાંત અધિકારી તરીકેનું મળ્યું ત્યારે કચ્છ જિલ્લો અને તેમાંય ખાસ કરીને ભુજ તાલુકો રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા પણ મોટો હોવાથી કામગીરી દરમ્યાન ઘણું બધું શીખવા પણ મળ્યું. ભુજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તાર અને નગરપાલિકા હોવાથી બન્ને પ્રકારના પડકારરૂપ પ્રશ્નો પણ સામે આવ્યા. કચ્છમાં જે પ્રકારની ટ્રેનિંગ મળી એ કોઈ પણ જિલ્લામાં મળી શકે તેમ નથી. અહીં રેવન્યુના અનેક કેસિસ પેન્ડિંગ હતા. કેટલાય અરજદારો પોતાના પ્રશ્નો લઈને આવતા હતા ત્યારે તેમનું એનાલીસીસ કરીને પ્રશ્નોના નિરાકરણ માટેનો પૂરતો પ્રયાસ કરાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.કચ્છમાં કોરોના કાળ દરમિયાન બજાવેલી ફરજના અનુભવો પણ તેમણે કચ્છ ઉદય સાથે વર્ણવ્યા હતા. કોરોના દરમિયાન પ્રથમ લહેરમાં લોકડાઉનનું અમલીકરણ કરાવવા ઉપરાંત લોકોની જરૂરિયાતો સંતોષવી. ખાસ તો પરપ્રાંતિય શ્રમિકો જે કચ્છમાં રોજીરોટી મેળવવા માટે આવ્યા હતા તે લોકોને તેમના વતનમાં પહોંચતા કરવા પડકારજનક કામગીરી હતી. તેઓને વતનમાં મોકલવા માટે ટ્રેનનું અરેજમેન્ટ કરવું, જુદા-જુદા સ્થળોએથી તેમને અહીં આશ્રય આપીને જ્યારે ટ્રેન ફાળવાય ત્યારે તેઓને અહીંથી વતનમાં મોકલવાની કામગીરી સાથી કર્મચારીઓ, કચ્છના સેવાભાવી લોકો અને સંસ્થાઓના સહયોગથી કરી શકાઈ. આ ઉપરાંત કોરોના કાળ દરમ્યાન કાયદો વ્યવસ્થા જાળવવા ઉપરાંત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલોપમેન્ટ કરવું, ડોક્ટરો અને આરોગ્ય સ્ટાફને મોટીવ કરવાનું કામ ખૂબજ કપરૂ હતું, પરંતુ સૌના સાથ-સહકારથી સારી એવી કામગીરી કોરોના કાળમાં પણ કરી શકાઈ હોવાનો સંતોષ તેમણે વ્યક્ત કર્યો હતો.

લોકડાઉનમાં કેટલીક માનવતાભરી કામગીરી પણ કરી
ભુજ : કોરોના લોકડાઉન વખતે એક ગર્ભવતી મહિલાને રાશનકીટની જરૂરિયાત હતી. તેને ટીમ મારફતે રાશનકીટ પૂરી પાડવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે એ મહિલાને ખરેખર તબીબી સારવારની પણ જરૂરિયાત હતી ત્યારે જી.કે. જનરલ હોસ્પિટલ અને મહિલા બાળ વિકાસ અધિકારી સાથે સંકલન સાધીને એ મહિલાને સત્વરે સારવાર અપાવવામાં આવી હતી. આ ઉપરાંત સુમરાસર (શેખ)ના એક બાળકની કેન્સરની દવા લોકડાઉનમાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવાના કારણે મળી શકી ન હતી, જે દવા બહારથી સંકલન સાધીને મંગાવાઈ હતી.

કચ્છ અને રાજસ્થાનની સંસ્કૃતિમાં સામ્યતાથી થયો ફાયદો
ભુજ : મનિષ ગુરવાની મૂળ રાજસ્થાનના માનગઢના વતની છે અને કચ્છ તેમજ રાજસ્થાનની સંસ્કૃતિમાં સામ્યતા હોવાના કારણે કચ્છમાં કામગીરી કરવાનો અનુભવ રસપ્રદ રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું. પોતે સિંધી કોમ્યુનિટીમાંથી આવતા હોવાથી સિંધી અને કચ્છી ભાષામાં પણ ઘણી સામ્યતા હોવાથી લોકોના પ્રશ્નો તેઓ વધુ સારી રીતે સમજી શક્યા અને તેના નિરાકરણ માટેના પુરતા પ્રયાસો કર્યા. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કચ્છની સંસ્કૃતિ અને સભ્યતા બેનમૂન છે. કચ્છના લોકો કાયદાને સન્માન આપે છે. એક અધિકારીને પણ તેઓ સન્માનપૂર્વક સહકાર આપે છે. પરિણામે જ કચ્છમાં સારી રીતે કામગીરી કરી શકાય તેવું તેમણે ઉમેર્યું હતું.

કાર્યકાળ દરમ્યાન કેટલાક પડકારજનક નિર્ણયો પણ લીધા
ભુજ : પ્રાંત અધિકારી તરીકેના કાર્યકાળ દરમ્યાન મનિષ ગુરવાનીએ કેટલાક પડકારજનક નિર્ણયો પણ લીધા હતા. આ અંગે તેમણે કહ્યું હતું કે, કેટલાક નિર્ણયો લોકોને ગમે તેવા ન પણ હોય, પરંતુ તે લોકહિતના નિર્ણયો હોય છે, જેમાં દબાણ હટાવવાની ઝુુંબેશમાં જે સરકારી જમીન પર દબાણ કરાયું હતું તેને મુક્ત કરવાના જે જનહિતના નિર્ણયો લેવાયા તેને પણ અનેક લોકોએ આવકાર્યા અને કાયદાનું સન્માન કરીને કાયદાકીય રીતે કરાયેલી કામગીરીનો અંતે સ્વીકાર કર્યો ત્યારે ઘણી વખત એક અધિકારી તરીકે આવા નિર્ણયો પણ લેવા પડતા હોય છે અને પોતે લીધેલા નિર્ણયોમાં લોકોએ જે સહકાર આપ્યો તે બદલ તેમણે આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી.

કચ્છમાં આવેલા ભૂકંપને કારણે રેવન્યુ રેકર્ડનું કામ અસ્ત-વ્યસ્ત
ભુજ : કચ્છમાં ર૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપને કારણે તેની અસર જિલ્લાના રેવન્યુ રેકર્ડ પર પણ જોવા મળતી હોવાનું ભુજમાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવનાર મનિષ ગુરવાનીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અર્થક્વેકને કારણે રેવન્યુ રેકર્ડ વેલ મેઈન્ટેઈન કરાયેલા નથી તેમ છતાં અહીંના અધિકારી – કર્મચારીઓ કોઈ પણ રસ્તો કાઢીને લોકહિતમાં કામગીરી કરે છે. લીગલ ફ્રેમમાં કોઈ પણ કામ થતું હોય તો અધિકારી-કર્મચારીઓ પોતાનાથી બનતા પ્રયાસો કરીને લોકોના હિત ખાતર તે કામ કરવાનો પૂરતો પ્રયાસ કરે છે તેના કારણે રેકર્ડ વેલ મેઈન્ટેઈન ન હોવા છતાં પણ એટલી મુશ્કેલી પડતી નથી તેનો અનુભવ થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

મારી વાતને દરેક લોકોએ સન્માનથી સ્વીકારી : મનિષ ગુરવાની
ભુજ : અહીં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવનાર મનિષ ગુરવાનીએ કહ્યું હતું કે, ખાસ તો કોરોના કાળ દરમ્યાન મેં જે પણ વાત લોકો સમક્ષ મૂકી તેને લોકોએ સહર્ષે સ્વીકારી તેનો મને આનંદ અને સંતોષ છે. ખાસ તો કચ્છમાં ભૂકંપને કારણે એનજીઓ કલ્ચર વધુ છે. પરિણામે કોઈપણ આપત્તિમાં એક ટહેલ કરવામાં આવે તો લોકો સહકાર માટે આગળ આવે છે ત્યારે લોકડાઉન દરમ્યાન રાશનકીટના વિતરણ વખતે કરાયેલી અપીલને સંસ્થાઓ અને સેવાભાવી લોકોએ ઝીલી લઈને સારો એવો સહકાર આપ્યો. આ ઉપરાંત રસીકરણની વાત હોય, કોવિડ બેડની સુવિધા વધારવાની વાત હોય દરેક બાબતોમાં કચ્છીઓનો સારો એવો સહયોગ મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત-દેશની ઈકોનોમીના ગ્રો-અપ માટે કચ્છની મહત્ત્વની ભૂમિકા
ભુજ : સરહદી કચ્છ જિલ્લો દેશમાં સૌથી મોટો જિલ્લો છે. કચ્છમાં અનેક ઉદ્યોગો, ખનિજસંપદા, પશુપાલન, ખેતી, બંદરો આવેલા છે, તો પ્રવાસન ક્ષેત્રે પણ કચ્છ અગ્રેસર છે ત્યારે ગુજરાત અને દેશની ઈકોનોમીને ગ્રો-અપ કરવામાં કચ્છ જિલ્લાનું વિશેષ મહત્ત્વ રહેલું હોવાનું મનિષ ગુરવાનીએ ઉમેર્યું હતું. કચ્છમાં એશિયાનો સૌથી મોટો હાઈબ્રીડ સોલાર રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ સ્થપાઈ રહ્યો છે. આ ઉપરાંત અનેક ઔદોગિક એકમો કચ્છમાં કાર્યરત છે ત્યારે સરહદી કચ્છ જિલ્લો ગુજરાત અને દેશની ઈકોનોમીનું ગ્રો-અપ એન્જિન સમાન છે. કચ્છમાં વિકાસની વિપુલ તકો રહેલી છે ત્યારે સરકાર અને લોકોના સહયોગથી હજુ પણ અનેક ઘણો વિકાસ કચ્છમાં શક્ય હોવાનું તેમણે ઉમેર્યું હતું.